- એલસીબી, એસઓજી, રેલવે પોલીસ સહિતના વિવિધ ટીમો દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં ચેકિંગ શરૂ કરાયું, શંકાસ્પદ લોકોના આધાર પુરાવાની ચકાસણી કરાઇ
ગુજરાતમાં ઘુષણખોરી કરનાર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તાજેતરમાં ટ્રેનમાંથી 5 બાગ્લાદેશી મળી આવ્યા હતા. ત્યારે હજુ પણ બાંગ્લાદેશીઓ ભાગવાની ફિરાકમાં ટ્રેન માર્ગ પસંદ કરે તેવી શક્યતના પગલે પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીના અધ્યક્ષ સ્થાને વિવિધ ટીમો તથા ડોગ સ્કોડ દ્વારા સાંજના સમયે ટ્રેનોમાં ચેકિંગ શરૂ કરાયું હતું.
આ ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારની અસરકારક ટ્રેનના ચઢતા-ઉતરતા પેસેન્જરો, ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ ભરી રીતે બેગેજ સ્કેનર તથા મેન્યુઅલી ચેકીંગ કરવામાં આવેલ તથા વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો, પાર્સલ ઓફિસના પાર્સલો, પોસ્ટ ઓફીસના પાર્સલો, પેસેન્જરોની ભીડ-ભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના, વેઇટીંગરૂમ, કલોકરૂમના લગેજ, વાહન પાર્કિંગ જેવી જગ્યાઓએ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ ચેકિંગ દરમિયાન શાલીમાર ટ્રેન મારફતે મુળ પશ્ચિમ બંગાળ (કલકત્તા)ના 7 નાગરીકો મળી આવ્યા હતા, જેઓ પોતાનું સરનામું યોગ્ય રીતે જણાવી શકતા ન હોય જેથી તે શંકાસ્પદ શખસોને ડિટેઇન કરી આગળની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 26 નિર્દોષ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. ત્યાર બાદ ગુજરાત સહિતના વડોદરા શહેર જિલ્લામાં તેમજ રેલવે સ્ટેશન પરથી પસાર પરથી પસાર થતી ટ્રેનોમાં ચેકિંગ કરીને ગેરકાયદે ઘૂષણખોરી કરનાર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને 1750 જેટલા શંકાસ્પદોના ડોક્યુમેન્ટસની ચકાસણી કરાઇ હતી. જેમાં શહેર તથા રેલવે પોલીસ મળીને 14 જેટલા બાંગ્લાદેશીઓ મળી આવતા તેમને ડિટેન્શન સેન્ટર ખાતે મુકવામાં આવ્યા હતા.
હજુ પણ ઘણા બાંગ્લાદેશીઓ વિવિધ રાજ્ય તથા શહેરમાંથી પરત ભાગવાની ફિરાકમાં હોય તેને લઇને પશ્ચિમ રેલવે નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજુમારીની સુચના મુજબ એલસીબી, એસઓજી, રેલવે પોલીસ સહિતના વિવિધ ટીમો દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરોજકુમારી જાતે પણ ચેકિંગ દરમિયાન અધિકારી સાથે હાજર રહ્યા હતા. ત્યારે ટ્રેનમાંથી મળી આવેલા શંકાસ્પદ લોકો પાસેથી તેમના આધાર પુરાવાની પણ ચકાસણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ટ્રેનમાંથી બે બાળક સહિત પાંચ બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા.
પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી વીડિયો કોન્ફરન્સમાં મળેલી સૂચના મુજબ ટ્રેનમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓ ગુજરાતમાં રહે છે. જેમને પકડવા માટે અમે ચેકિંગ કરી રહ્યા છીએ. આ પહેલા હાવડા એક્સપ્રેસમાંથી પાંચ બાંગ્લાદેશીને પકડવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં આ ચેકિંગ યથાવત રહેશે.