- ગુજરાત અને ભારત સરકારના પોર્ટલ પર અગાઉથી ફરજિયાત રજીસ્ટ્રેશન જરૂરી
- ભરતી મેળામાં ધોરણ-10, ધોરણ-12, આઇ.ટી.આઇ., ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ અનુભવી અથવા બિનઅનુભવી 18 થી 30 વર્ષની વય જૂથના ઉમેદવારોએ ભાગ લઈ શકશે
મોડલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગારની કચેરી, વડોદરા અને રોકમેન ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સંયુક્ત ઉપક્રમે રોજગાર તથા એપ્રેન્ટિસશીપ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો આગામી 27 મે, 2025ના રોજ સવારે 10 કલાકે, રોકમેન ઇન્ડસ્ટ્રીઝ લિ., સર્વે નંબર-29, આસોજ, હાલોલ રોડ, તા. વાઘોડીયા, જિલ્લા વડોદરા ખાતે યોજાશે.
આ ભરતી મેળામાં ધોરણ-10, ધોરણ-12, આઇ.ટી.આઇ. (ફિટર, મેકેનિકલ, પેઈન્ટર, ઇલેક્ટ્રીશિયન), ડિપ્લોમા (મેકેનિકલ, ઇલેક્ટ્રીકલ) તેમજ ગ્રેજ્યુએટ અનુભવી અથવા બિનઅનુભવી 18 થી 30 વર્ષની વય જૂથના ઉમેદવારોએ ભાગ લઈ શકશે. ઉપરાંત, બે હાથથી કામ કરી શકે તેમજ સ્વતંત્ર હલનચલન કરી શકતા ઓર્થોપેડીક રીતે દિવ્યાંગ ઉમેદવારોએ પણ આ ભરતીમેળામાં હાજરી આપી શકાશે.
ભરતીમેળા અંતર્ગત કુલ 50 કરતાં વધુ ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ જેવી કે ઓપરેટર, મેન્ટેનન્સ, સપોર્ટ સ્ટાફ, વર્કર વગેરે માટે સીધી ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતીમેળામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ તેમજ ભારત સરકારના NCS પોર્ટલ ઉપર અગાઉથી નોંધણી કરાવવી રહેશે. તેમજ પોતાનો બાયોડેટા લઈને પોતાના ખર્ચે સમયસર ભરતીમેળાના સ્થળે હાજર રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.