- ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ સાથે ઉમેદવારોએ રેસકોર્સ સર્કલ જીસેક કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા
- લેખિત આશ્વાસન ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી
ગુજરાત સરકારની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પર 800 જગ્યાઓ પર ભરતી અંગે વીજ કંપની દ્વારા અખાડા થતાં હવે ઉમેદવારો આજથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે. આજે વડોદરાના રેસકોર્સ સર્કલ જીસેક કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને ભારે સુત્રોચ્ચારો કર્યા હતા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી હતી.
GSECLઉમેદવાર ધર્મેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જૂન 2022માં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા 800 જેટલા હેલ્પરોની ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 5500થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એ સમયે વેરિફિકેશન થઈ ગયો હતો પરંતુ પરીક્ષા લેવાઈ નથી. અમે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ તેઓ ગોળ ગોળ જવાબો આપે છે. અમારી માંગણી છે કે ઝડપથી આ પરીક્ષા લેવી જોઈએ અને બેરોજગારોને રોજગારી મળવી જોઈએ જેથી આ પરિવારોને ન્યાય મળે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એપ્રેન્ટીસ થયેલા ઉમેદવારો આજે અહીં ભેગા થયા છીએ અને ભૂખ હડતાલ પર ઉતર્યા છીએ.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વખતે 3 માર્ચના રોજ અમે અહીં ધરણા કર્યા હતા અમને 10 દિવસમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત MDએ કરી હતી પણ તે વાતને મહિનો થવા છતાં કોઈ કાર્યવાહી ભરતી અંગે થઇ નથી એટલે અમારે આંદોલન કરવાની ફરજ પડી છે. આ માટે આંદોલન ચલાવી રહેલા ઉમેદવારોએ ઉમેર્યું હતું કે, અમે તા.૩ માર્ચના રોજ પણ વડોદરા ખાતે જીસેક કંપનીની હેડ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા.એ પછી સરકારમાં પણ રજૂઆત કરી હતી.
ઉમેદવારોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ અમને જગ્યાઓ ભરવાનુ આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ જીસેક કંપનીએ ભરતી કરવા માટે કોઈ હિલચાલ શરુ કરી નથી ત્યારે ભૂખ હડતાળ સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી, જેથી અમે ભૂખ હડતાળ શરૂ કરી છે અને ભરતી માટે લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખશે.