- ફરિયાદીના મામા આવી જતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા
- સમાધાન માટે બોલાવી માર મારતા ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો
વડોદરા શહેરના આજવા રોડ પર રહેતી બહેનને હેરાન કરનાર શખ્સને ઠપકો આપતા ભાઈને 4 શખ્સોએ મળીને માર માર્યો હતો અને ત્યારબાદ ચાકુથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આ દરમિયાન યુવકના મામા દોડી આવતા માર મારનાર ભાગી ગયા હતા. યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં 4 હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા જયેશભાઈ જીગ્નેશભાઈ ઠાકોરે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, હું રિક્ષા ચલાવું છું. ગત 4 મે રોજ રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં હું મારી એક્ટીવા લઈને કમલાનગર તળાવ તરફ ગયો હતો. આ દરમિયાન સમયે મારી માનીતી બહેને મને બૂમ પાડતા હું એચ.ડી.એફ.સી બેન્ક સામે તળાવના કિનારે જઈને જોતા મારી બહેન પાસે કમલ પટેલ ઉભો હતો. જેથી તેણે મને જણાવ્યું હતું કે, આ કમલ મને મારી સાથે મોબાઇલમાં વાત કર તેવું કહીને હેરાન કરે છે. જેથી મેં કમલને મારી બહેનને હેરાન ના કર અને તું અહીંથી જતો રહે કહ્યું હતું. જેથી તેણે મને જણાવેલું કે તું મને ઓળખે છે તેમ કહી મને જેમ તેમ બોલતા મેં તેને સમજાવીને મોકલી દીધો હતો.
ત્યારબાદ રાતના 12.30 વાગ્યાના અરસામાં મને કમલનો ફોન આવ્યો હતો અને મને આપણે થયેલી બોલાચાલીનું સમાધાન કરવાનું છે કહી ખટ્ટી ઈમલી હોટલની સામે બોલાવ્યો હતો. જેથી હું ત્યાં જઈને જોતા ત્યાં કમલ તથા અવિનાશ હાજર હતા અને કમલે મને તું ઘરે મોકલે છે, તેવું કહીને ગાળો બોલતો હતો. જેથી મેં ગાળો ન બોલવા કહેતા તેણે અને અવિનાશ, તુષાર તેમજ જીગ્નેશે આવીને માર માર્યો હતો.
ત્યારબાદ અવિનાશે તેના કમરના ભાગેથી એક ચપ્પુ કાઢીને મને ડાબી બાજુ મધ્યમાં તથા જમણી બાજુ મારી ઇજા પહોંચાડી હતી. કમલે તેની પાસેના એક લોખંડના ટુકડાથી મને માથામાં જમણી બાજુ મારી ઈજા પહોંચાડી હતી. અવિનાશ અને કમલે મને કહ્યું હતું કે, જો તું હવે ફરી મળીશ તો તને જાનથી મારી નાખીશ. તે વખતે મારા મામા યોગેશભાઈ આવી જતાં તેઓ બધા ત્યાંથી ભાગી ગયા હતા. મારા મામા મને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.