- કપૂરાઈ પોલીસે કારચાલક બુટલેગરની પ્રોહીબિશનના ગુનામાં ધરપકડ કરી રૂ.2.74 લાખ ઉપરાંતના દારૂ-બિયરના જથ્થા સાથે કુલ રૂ.8.79 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા એલસીબી ઝોન 3ની ટીમને કપુરાઈ રેલ્વે બ્રિજ પાસેથી દારૂનો જથ્થો ભરેલ લક્ઝરીયસ કારને ઝડપી પાડવામાં સફળતા મળી છે. કપૂરાઈ પોલીસે કારચાલક બુટલેગરની પ્રોહીબિશનના ગુનામાં ધરપકડ કરી રૂ.2.74 લાખ ઉપરાંતના દારૂ-બિયરના જથ્થા સાથે કુલ રૂ.8.79 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય છ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસને જોતા જ કારની ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલ શખ્સ હાઇવે પરના ટ્રાફિકનો લાભ લઇ નાસી છૂટ્યો હતો.
ગતરાત્રે વડોદરા એલસીબી ઝોન-3ને ચોક્કસ માહિતી મળી હતી કે, નરેશ ઉર્ફે ઘેટી રમેશભાઈ રાવળ (રહે- મકરપુરા ગામ) તથા રોહિત રાવજી ભાભોર (રહે-થાલા ગામ, લીમડી, દાહોદ ) લક્ઝરીયસ કારમાં દારૂનો જથ્થો લઇ કપુરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ પસાર થનાર છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી કપુરાઈ રેલવે બ્રિજ ખાતે કારને કોર્ડન કરવા જતા કારમાં ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસેલ શખ્સ હાઇવે પરના ટ્રાફિકનો લાભ લઇ નાસી છૂટ્યો હતો. અને પોલીસથી બચવાનો પ્રયાસ કરતા કારના ડ્રાઈવર સાઈડના દરવાજા તથા આગળના કાચને નુકસાન થયેલ છે. કારચાલક નરેશ ઉર્ફે ઘેટીને પોલીસે ઝડપી પાડી કારની તલાશી લેતા ડેકીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની નાની-મોટી બોટલો તથા બિયરના ટીન રૂ.2,74,768ની કિંમતના કુલ નંગ 1066, એક મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂ.8,79,778નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ આ દારૂનો જથ્થો આણંદ ખાતેથી અરવિંદ રમસુભાઈ બારીયા (રહે- આણંદ/મૂળ રહે-લીમડી, દાહોદ) એ કારમાં ભરી આપ્યો હોય અને તેમાંથી મકરપુરા વિસ્તારમાં અજય હરેશભાઈ જગતાપ (રહે-રેવંતા ફ્લેટ, મકરપુરા), અતુલ વાની (રહે-મકરપુરા ગામ), સન્ની ગુલાબસિંહ ઠાકોર (રહે-મકરપુરા ગામ) અને પકો (રહે-વડસર)ની માંગ મુજબ દારૂની પેટીઓ સપ્લાય કરવાનો હોવાની કબુલાત કરી હતી. આરોપીએ અગાઉ પણ આ પ્રકારે લોકોને દારૂનો જથ્થો લાવી સપ્લાય કર્યો છે. જ્યારે કારમાંથી નાસી છૂટનાર શખ્સ રોહિત ભાભોર હોવાનું બહાર આવ્યું છે.