- પૂર્વ ઝોનમાં વોર્ડ 15માં સમર્પણ, ધરતી ટેનામેન્ટ, મહાલક્ષ્મી પાર્ક, ઉકાજીનું વાડિયું વગેરે વિસ્તારની આસપાસ પાણીનું પ્રેશર સુધારવા 13.79 કરોડનો ખર્ચ કરાશે
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીના પ્રેશરની તકલીફ કાયમ રહે છે, જેના લીધે લોકોને પાણી પૂરતું મળતું નથી. વડોદરા કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રેશરની સમસ્યા હલ કરવા માટે ત્રણ સ્થળે બુસ્ટર બનાવાશે. આ માટે કુલ 50.63 કરોડનો ખર્ચ થવાનો છે.
વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં વોર્ડ 15માં સમર્પણ, ધરતી ટેનામેન્ટ, મહાલક્ષ્મી પાર્ક, ઉકાજીનું વાડિયું વગેરે વિસ્તારની આસપાસ પાણીનું પ્રેશર સુધારવા માટે 13.79 કરોડનો ખર્ચ કરાશે. ટીપી ત્રણમાં 3,500 ચોરસ મીટરના પ્લોટમાં આ બુસ્ટર બનાવાશે. પૂર્વ ઝોનમાં જ વોર્ડ નંબર 4માં હરણી વિસ્તારમાં રાજેશ્વર ગોલ્ડ, અભય આનંદ, કર્મા લાઈફ સ્ટાઈલ વગેરે સોસાયટી આસપાસ પાણીનું પ્રેશર ઓછું હોવાથી સ્થાનિક કાઉન્સિલરો અને રહીશોએ અંડર ગ્રાઉન્ડ સંપ બુસ્ટર બનાવવા રજૂઆત કરેલી છે. ટીપી 50 ના 8500 ચોરસ મીટરના પ્લોટમાં આ કામગીરી કરાશે. જેમાં પંપીંગ મશીનરી અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ માટે 22.63 કરોડનો ખર્ચ થશે. વોર્ડ નંબર 4 માં જ સયાજીપુરા, વૈકુંઠ-2, નીલનંદન, પંચમહાઇટ વગેરે સોસાયટી આસપાસ પાણીની આવી સમસ્યા હોવાથી ટીપી 45 ની પ્લોટની જગ્યામાં બુસ્ટર ઊભું કરવાની કામગીરી 13.79 કરોડના ખર્ચે થશે. ત્રણેય બુસ્ટરનું સંચાલન અને નિભાવણી પાંચ વર્ષ માટે ઇજારદારને સોંપાશે.