- જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે
હોળી અને ધૂળેટીના પર્વને લઈને 13 અને 14 માર્ચના રોજ વડોદરા નજીકથી પસાર થતી નદીઓ, કૃત્રિમ તળાવો, નહેર, જળાશયોમાં નાહવા અને અન્ય કામે જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે અંગે આજે વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
ધૂળેટીના દિવસે વડોદરા નજીક આવેલા સિંધરોટ, ફાજલપુર તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર, અને શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી, કરજણ તાલુકાના નારેશ્વરમાં ન્હાવા માટે વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જેને પગલે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના બે દિવસ માટે નદી અને તળાવો સહિતના નાહવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ શહેર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોળીના દિવસની સવારથી ધૂળેટીના તહેવારની મોડી રાત સુધી નદી કિનારાના નાહવા લાયક આવેલા સ્થળો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામું તા. 13/03/2025 અને 14/03/2025ના દરમિયાન અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે. જે લોકો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નર્મદા અને મહીસાગર નદી કાંઠે તહેવારો દરમિયાન લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. આ દરમિયાન અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેને લઈને બે દિવસ નદી કાંઠે નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.