- પ્લેટફોર્મ પર કિશોરી એકલી બેઠેલી જોવા મળી હતી, બાંગ્લાદેશી નાગરિક હોવાનું સ્પષ્ટ થતા રેલવે પોલીસે પૂછપરછ કરતા પોતાનું નામ ડોલી અને તે નડિયાદ ખાતે રહેતી હોવાનું જણાવ્યું
ગુજરાતમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન વડોદરા રેલવે પોલીસે એક બાંગ્લાદેશી કિશોરીની ધરપકડ કરી છે. આ કામગીરી ગુજરાત પોલીસના મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગરના આદેશ અનુસાર ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવા માટે ચલાવવામાં આવેલી ડ્રાઇવનો ભાગ હતી.
ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને પકડવાની ઝુંબેશ દરમિયાન બપોરે 2.30 વાગ્યાની આસપાસ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 2 ઉપર એક કિશોરી એકલી બેઠેલી જોવા મળી હતી. ASI મીનાબેન રાજુભાઈએ કિશોરીની પૂછપરછ કરી હતી, જેમાં તેણે પોતાનું નામ ડોલી હોવાનું જણાવ્યું હતું અને તે પોતે નડિયાદ ખાતે રહેતી હોવાની વાત પણ કરી હતી પરંતુ, સંપૂર્ણ સરનામું કહી શકી નહોતી.
વડોદરા રેલવે પોલીસે કિશોરીની સાથે રાખીને નડિયાદ પહોંચી હતી અને નડિયાદમાં જઈને તપાસ કરી કરી હતી. જ્યાં તેણે તેના ઘરનો રસ્તો બતાવ્યો હતો પરંતુ, તેનું ઘર બંધ હતું અને પડોશીઓએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોને નડિયાદ ટાઉન પોલીસે પકડ્યા છે. જેથી, વડોદરા રેલવે પોલીસે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરી હતી, જ્યાં જાણવા મળ્યું કે, રીનાબેન જાહીર મોનડલ (રહે. મૂળ રહે. માગુરા, ખુલના, બાંગ્લાદેશ) નામની મહિલા પકડાઈ છે, જેણે ડોલીને પોતાની દીકરી તરીકે ઓળખાવી હતી.
આમ, ડોલી બાંગ્લાદેશી નાગરિક હોવાનું સ્પષ્ટ થતા વડોદરા રેલવે પોલીસે તેની પૂછપરછ કરી હતી અને તેને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.