વરસડા ગામે રાત્રે પતરાના શેડ નીચે ઊંઘી ગયેલા એસટી બસના કંડક્ટર-ડ્રાઇવરની બેગ ચોરાઇ

બે ટ્રીપ માર્યા બાદ એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટર રાત્રે પતરાના શેડમાં સુઇ ગયા હતા

MailVadodara.com - At-Varsada-village-the-bag-of-the-ST-bus-conductor-driver-who-was-sleeping-under-a-paper-shed-was-stolen-at-night

- EBTM મશીન, જરૂરી ડોક્યૂમેન્ટ્સ અને રોકડ સહિત 19 હજારના મત્તાની ચોરી

- કંડકટરે ડેસર પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી

વડોદરાના પાણીગેટ સેન્ટ્રલ બસ ડેપોની બસ સાવલીથી વરસડા ગામ સુધી બે ટ્રીપ માર્યા બાદ એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટર રાત્રે પતરાના શેડમાં સુઇ ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે આંખો ખુલી ત્યારે ડ્રાઇવર અને કંડક્ટરની બેગ લાપતા હતી. બેગ ન દેખાતાં આસપાસમાં શોધખોળ કરી હતી, પરંતુ બેગ મળી ન આવતા અજાણ્યા તસ્કર સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડેસર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

ડેસર પોલીસ મથકમાં ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ રણાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વડોદરાના પાણીગેટ એસટી ડેપોમાં એક વર્ષથી કંડક્ટર તરીકે કામ કરે છે. 3 ફેબ્રુઆરીના રોજ બપોરે તેઓ નોકરી પર આવ્યા હતા અને વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની ઓફિસમાંથી તેમને EBTM મશીન ફાળવવામાં આવ્યું હતું. આ બસ વરસાડા નાઇટ રૂટ પર જવા માટે ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડ પર આવી હતી. તેમણે વડોદરાથી સાવલીની બે ટ્રીપ મારી અને ત્યાર બાદ વરસડા ગામે આવેલા હનુમાનજી મંદિરની બાજુમાં બસ પાર્ક કરીને જમી પરવારીને ડ્રાઇવર સાથે પતરાના શેડ નીચે ખુલ્લામાં પથારી કરીને સુઈ ગયા હતા.

આ દરમિયાન તેમની પાસેની બેગમાં EBTM મશીન, મુસાફરોએ ખરીદેલી ટિકિટના રૂપિયા 2500 રોકડ, કંડકટરના પોતાના રૂપિયા 1400 તથા તેમના જરૂરી ડોક્યૂમેન્ટ્સ તેમની સાથે હતા. સવારે પોણા પાંચ વાગ્યે કંડક્ટરની આંખો ખુલતા તેમની અને બસ ડ્રાઇવરની બેગ મળી આવી ન હતી. આજુબાજુમાં શોધખોળ કરતા પણ કંઇ હાથ લાગ્યું ન હતું. આ ઘટનામાં મશીન, રોકડ તથા અન્ય મળીને કુલ રૂપિયા 19,500નો મુદ્દામાલ ગાયબ થયો હતો. આ અંગે કંડકટરે ડેસર પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. ગામમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments