- આજવા રોડ પરથી મહિલાનું 49 હજારનું સોનાનું મંગળસૂત્ર અને ખોડીયારનગર વિસ્તારમાં ચાલતી જતી મહિલાના ગળામાંથી 50,000ની સોનાની ચેઈન તફડાવી
વડોદરા શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી ચેઈન સ્નેચિંગના બનાવોથી રાહત હતી. જોકે, સોનાના ભાવમાં તેજી આવતા જ અછોડા તોડ ફરી સક્રિય થયાં છે. ગત સમી સાંજે બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન અને મંગળસૂત્ર તોડી ગઠીયા ફરાર થતાં વારસીયા અને બાપોદ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રથમ બનાવમાં શહેરના આજવા રોડ પર રહેતું દંપતી રાત્રિના સમયે જમ્યા બાદ ચાલવા માટે નીકળ્યું હતું. તેઓ એકતાનગર ચાર રસ્તાથી ફરીને પરત ઘરે આવી રહ્યું હતું, તે દરમિયાન બાઈક પર આવેલા ગઠિયાઓ દંપતી પૈકી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડી સરદાર એસ્ટેટ તરફ ભાગી ગયા હતા. બાપોદ પોલીસે મહિલાની ફરિયાદના આધારે બંને ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા .
શહેરના આજવા રોડ ઉપર આવેલી ઓલિવાઇન રેસીડેન્સીમાં રહેતા ફાલ્ગુનીબેન તે પ્રદીપભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે, હું તથા મારા પતિ રાત્રીના જમ્યા બાદ મારા ઘરેથી રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ચાલવા માટે નીકળ્યા હતા અને આજવા રોડ થઈને એકતાનગર ચાર રસ્તા સુધી ફરી પરત અમારા ઘર તરફ આવી રહ્યા હતા. તે વખતે રાત્રીના સવા નવેક વાગ્યાના સુમાર વિવેકાનંદ સોસાયટી નજીક આવેલ સુરપાણેસ્વર મહાદેવના મંદીર નજીક આવતા અમારી પાછળથી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર પર બે ઈસમો આવ્યા હતા. બાઈક પર આવેલા શખ્સો પૈકી એકે મારા ગળામાં પહેરેલું 49 હજારનું સોનાનું મંગળસૂત્ર લૂંટી લીધું હતું. આ દરમિયાન મારા પતિએ બુમાબુમ કરવા છતાં બાઈક સવાર સરદાર એસ્ટેટ તરફ ભાગી ગયા હતા. યુવતીની ફરિયાદના આધારે બાપોદ પોલીસે મંગળસૂત્ર તોડી ભાગનાર બે ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા બનાવમાં વારસીયા પોલીસ મથકમાં ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગર પાસે આવેલ અમરનગર એકમાં રહેતા શોભનાબેન ભાલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની બહેન સાથે શહેરના ખોડીયારનગરથી સુપર બેકરી તરફ ચાલતા જતા હતા. તે દરમિયાન બાલાજી ટાઉનશિપ પાસે પાછળથી એક શખસે આવી અને ગળામાંથી 50,000ની સોનાની ચેઈન તફડાવી સરદાર એસ્ટેટ તરફ ફરાર થઈ જતાં બૂમાબૂમ કરી હતી. આ બનાવના અંગે વારસીયા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.