- આરોપીની સઘન પુછપરછમાં તેને પોતે તેની પાસેની બાઈક ચોરીની હોવાની કબુલાત
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 50થી વધુ ગુનામાં પકડાયેલા આંતર જિલ્લા રીઢા ચોરને ઝડપી પાડ્યો છે અને વડોદરા શહેરમાંથી ચોરી કરેલી 31 બાઈક કબજે કરી છે અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં બનેલા વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા CCTV, ટેક્નીકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાક મહિનાઓમાં બનેલા ટુ વ્હીલર વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા આરોપી અરવિંદ જયંતીભાઇ વ્યાસ (રહે. ગામ લુણવા તા.ખેરાલુ જી.મહેસાણા) શંકાસ્પદ જણાઇ આવ્યો હતો. જેથી આ ઇસમના મહેસાણા ખાતેના સરનામે ખાતરી તપાસ કરતાં તે તેના ગામમાં છેલ્લા કેટલાક વર્ષથી આવતો ન હોવાનું જણાઇ આવ્યું હતું.
આ ઇસમ વડોદરા શહેરમાંથી વાહન ચોરી કરી મોટાભાગે ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી અવરજવર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી વિસ્તારમાં વોચ રાખીને આરોપીની સતત શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન હરણી રોડ ગદા સર્કલ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાજર હતી, ત્યારે હરણી ગામ તરફથી અરવિંદ જયંતીભાઇ વ્યાસ જતો હતો. ત્યારે બાઈક ઉભી રાખવા માટે પોલીસે ઇસારો કરતાં બાઈકચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડયો હતો.
આરોપીની સઘન પુછપરછમાં તેને પોતે તેની પાસેની બાઈક ચોરીની હોવાની કબુલાત કરી હતી અને તેને છેલ્લા પોણા બે વર્ષ દરમિયાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તેમજ વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ટુ વ્હીલર ચોરીના ગુનાઓ કરેલા હોવાની પણ કબૂલાત કરી હતી અને આ ચોરીની બાઈકો જુદી-જુદી વ્યક્તિઓને વેચી હતી. તેમજ કેટલીક મોટરસાયકલમાં પેટ્રોલ ખુટી જતા બંધ થવાના કારણે બિનવારસી છોડી દીધી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન આરોપીએ ચોરી કરેલી 31 બાઈકો પોલીસે કબજે કરી છે.
પકડાયેલો આરોપી અરવિંદ જયંતીભાઇ વ્યાસ અગાઉ વડોદરા શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના અમદાવાદ, પાલનપુર, સુરત, દાહોદ, ગોધરા ખાતે મોટર સાયકલ ઉપરાંત જીપ ચોરીના 50થી વધુ ગુનાઓમા પકડાયેલો છે અને ગોધરા ખાતેના વાહન ચોરીના પાંચ ગુનાઓમાં 2-2 વર્ષની સજા થયેલી છે.