- બંનેને હાલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમની તબિયત વધુ લથડતા સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યાં
- વૃદ્ધ દંપતીએ આ પગલું કેમ ભર્યું આ પગલું કેમ ભર્યું તે અંગે હજી રહસ્ય અકબંધ
હાલોલ-પાવાગઢ રોડ પરના તળાવના કિનારે વડોદરાના વૃદ્ધ દંપતીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ બંનેને સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત લથડતા વધુ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.
વડોદરા ભુતડીઝાંપા ખાતે આનંદ ચેમ્બર્સમાં રહેતા 75 વર્ષીય ડાહ્યાભાઈ પટેલ તેમજ તેઓના પત્રી જશોદાબેન ડાહ્યાભાઈ પટેલ (ઉં.70) બેશુદ્ધ હાલતમાં પાવાગઢ રોડ પર તળાવની પાળે આવેલા ગણપતિ મંદિર પાસેથી મળી આવ્યા હતા. જ્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. જ્યાં આ વૃદ્ધ દંપતીની પ્રાથમિક સારવાર હાથ ધરી બંનેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દરમિયાન આ દંપત્તિ પૈકી જશોદાબેન ડાહ્યાભાઈ પટેલનું મોત થયું હતું, ત્યારબાદ ડાહ્યાભાઈ પટેલનું પણ મોત થયું હતું. આ બનાવ અંગેની જાણ હાલોલ ટાઉન પોલીસ મથકે કરવામાં આવી હતી. જેને પગલે હાલોલ પોલીસે બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને અકસ્માત મોત અંગેની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. વૃદ્ધ દંપત્તિને ત્રણ દીકરીઓ છે. કયા કારણસર આ પગલું ભર્યું એ તેમની દીકરીઓને પણ ખબર નથી. વૃદ્ધ દંપતીએ આ પગલું કેમ ભર્યું આ પગલું કેમ ભર્યું તે અંગે હજી રહસ્ય અકબંધ છે.