- પાલિકાના આઇટી અધિકારી મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, પાલિકાની વેબસાઈટ તથા અન્ય સોશિયલ પ્લેટફોર્મ સંપૂર્ણ સુરક્ષિત છે, દર 90 દિવસે બધા પાસવર્ડ બદલી નાખીએ છીએ
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તનાવભરી સ્થિતીના પગલે સાયબર એટેકની દહેશતથી વિવિધ સંસ્થાઓ, કંપનીઓ અને સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે વડોદરા કોર્પોરેશને પણ આ બાબતે તકેદારી લઈ `ફાયર વોલ' ચેક કરાવી પાલિકાના 1200 કમ્પ્યુટર સુરક્ષિત કરી દીધા છે. પાલિકાના IT અધિકારી મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, પાલિકાની વેબસાઈટ તથા અન્ય સોશિયલ પ્લેટફોર્મ સંપૂર્ણ સુરક્ષિત છે.
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ પરિસ્થિતિમાં ભારતમાં ખાસ કરીને સાયબર એટેકની દહેશતના પગલે ડિફેન્સ સહિત અનેક સરકારી વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાબતે ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ વચ્ચે સાયબર એટેક પણ એક મહત્વનો હુમલો હોઈ શકે છે.
આ સ્થિતિમાં વડોદરા કોર્પોરેશનનું આઇટી વિભાગ પણ સતર્ક થઇ ગયું છે. આ અંગે વડોદરા મહાનગરપાલિકાના IT ડાયરેક્ટર મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે, અમે કોર્પોરેશનની વેબસાઈટ અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખી રહ્યા છે અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા અમે 'ફાયર વોલ; પણ ચેક કરાવ્યું છે. જેમાં કોઈ કન્ટેન્ટ વર્ચ્યુઅલથી કે બહારથી આવે તેને ચેક કરીએ છીએ અને પછી તેને એક્સેસ કરવું કે નહીં? તે જોયા પછી આગળની પ્રક્રિયા કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો વેબ એક્સેસ અને સર્વર ક્લાઉડ ઉપર હોય તેઓએ ખાસ એલર્ટ રહેવું જોઈએ. આપણે 'ફાયર વોલ' ચેક કરાવ્યું એવું સામાન્ય રીતે રાજ્યની તમામ મહાનગરપાલિકા પણ કરતી હશે અને દર 90 દિવસે આપણે આપણા બધા પાસવર્ડ બદલી નાખીએ છીએ. ટૂંકમાં વડોદરા કોર્પોરેશનના 1200 કમ્પ્યુટર સુરક્ષીત છે.