- વિદ્યાર્થીઓ પાસેથી FRC કરતા વધુ ફી ઉઘરાવી હતી તેમજ જેમની ફી બાકી છે એમને રિપોર્ટ કાર્ડ આપવામાં નહીં આવે એવી સૂચના આપવામાં આવી હોવાના પણ આક્ષેપો કરાયાં
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી શબરી વિદ્યાલય દ્વારા ચોક્કસ બુક સ્ટોલ પરથી પુસ્તકોનું ખરીદવાનું કહેતા હોવાથી વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. શાળા તંત્ર દ્વારા અપાતા મેસેજ તથા ગયા વર્ષે વધારાની લેવાયેલી ફી બાબતે ગુજરાત વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવેદનપત્ર આપી આ બાબતે યોગ્ય તપાસ થાય એવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
છેલ્લા કેટલાય સમયથી વિવિધ કારણે શબરી વિદ્યાલય વિરુદ્ધ જાતજાતની અનેક ફરિયાદો બહાર આવતી જાય છે. શાળા તંત્ર દ્વારા ખાનગી બુક સ્ટોલ પર પુસ્તક ખરીદવાનું કહેવાતા વાલીઓએ આક્ષેપો કર્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી FRC કરતા વધુ ફી ઉઘરાવી હતી તેમજ જેમની ફી બાકી છે એમને રિપોર્ટ કાર્ડ આપવામાં નહીં આવે એવી સૂચના આપવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રમોટ કરવામાં પણ નહીં આવે એવા ધમકીભર્યા મેસેજ વાલીઓને શાળા તંત્ર દ્વારા કરાયા હોવાના પણ આક્ષેપો થયા છે. જોકે, ગયા વર્ષે FRC કરતા લેવાયેલી વધારે ફી શાળા દ્વારા ડિફરન્સ એમાઉન્ટ આ વર્ષે સરભર કરવી એવી માંગ સાથે ગુજરાત વાલી મંડળ દ્વારા કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વાલીઓ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરીને ન્યાયની માંગ કરી છે.