- વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આતંક મચાવનારા શખસોની અટકાયત કરી માફી મંગાવી
વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા પાન પાર્લન પર સિગારેટ ખરીદી દુકાનદારને પૈસા ન આપી બોલાચાલી કરી મારામારી અને સામાનની તોડફોડ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મામલે દુકાનદારે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે, દુકાનદારની દુકાન સામે મુકેલા સ્ટૂલ વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. આ વીડિયોમાં બેફામ બનેલા આ શખસો હાથમાં સ્ટૂલ લઈ અપશબ્દો બોલી દુકાનદાર પર તૂટી પડે છે અને દુકાન આગળ મુકેલા સ્ટૂલ છૂટા મારી આતંક મચાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે શહેરના વાઘોડિયા રોડ પર આવેલી વેદ રેસિડેન્સીમાં રહેતા અને વેપાર ધંધો કરતા મયંક અશોકભાઈ પટેલે વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત મોડી રાત્રે સોમા તળાવ ચાર રસ્તા ખાતે આવેલા દ્વારકાધીશ પાન પાર્લર નામની દુકાન પર સિગારેટ ખરીદી કરવા આવેલા શખસે રૂપિયા ન આપી તેઓની સાથે બોલાચાલી કરી માર મારી દુકાનના સામાનની તોડફોડ કરી હતી. આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં આ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વાડી પોલીસે આતંક મચાવનાર શખસો પાસે માફી મંગાવી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહીમાં અજીત જેન્તીભાઈ વાલા (ઉ.વ. 19, રહે. ગંગાનગર હેવી હોટલની સામે, દંતેશ્વર રોડ, વડોદરા), ક્રિષ્નકાંત નગીનભાઈ ઠાકોર (ઉ.વ. 20, રહે. અનુ સોસાયટી, દંતેશ્વર રોડ, વડોદરા), શેરખાન મન્નાનભાઈ પઠાણ (ઉ.વ. 20, રહે. આદર્શનગર સોસાયટી, સેવાત્રીની સામે, તરસાલી, વડોદરા), નરસિંહ ઉર્ફે અંકિત રતનસિંહ વણઝારા (ઉ.વ. 20, રહે. રાજરતન સોસાયટી, સરસ્વતી સ્કૂલની બાજુમાં, દંતેશ્વર રોડ, વડોદરા)ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.