- ફરિયાદીએ કર્ણાટકના મકાન વેચાણના 1.75 કરોડ રોકડા રૂપિયાની વ્હાઈટ એંટ્રી કરાવવા બેંગલુરુથી આંગડીયા કરી વડોદરા મોકલ્યા હતા
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલીંગ દરમિયાન મળેલ માહિતી આધારે કાસમઆલા કબ્રસ્તાન તરફથી સયાજી હોસ્પિટલ જવાના રોડ પરથી મોહમંદઇકબાલ મોહમદઇબ્રાહીમ શેખ (ઉ.50), (રહે. મદારીવાડ, વરીયાવી બજાર, ચોક બજાર, કતારગામ રોડ, સુરત)ને ઝડપી પાડ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં આ શખસ માંજલપુર પોલીસ સ્ટેશનમાં રૂપિયા પોણા કરોડની કરવામાં આવેલ ઠગાઇના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ઠગાઇના ગુનામાં છેલ્લા 4 માસથી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
ફરિયાદીને બેંગ્લુરૂ કર્ણાટક ખાતે મકાન વેચાણના 1.75 કરોડ રોકડા રૂપિયા આવ્યા હોવાથી તે રૂપિયાની વ્હાઈટ એંટ્રી કરાવવી હતી, જેથી બેંગ્લુરૂ ખાતેથી ડી.કે.આંગડીયા પેઢીમાં આંગડીયા કરીને રુપિયા વડોદરા મોકલ્યા હતા. આરોપીઓએ HDFC બેંકના એકાઉન્ટમા RTGS કરી આપવાનો પાકો વિશ્વાસ અપાવીને ફરિયાદીને 10 રૂપિયાની અડધી નોટનો ટુકડો આપીને RTGSથી ફરિયાદીના એકાઉન્ટમાં રૂપિયા ન આપે તો 10ની અડધી નોટ પરત આપી રૂપિયા પરત આપી દેવા પાકો ભરોસો અને વિશ્વાસ આપીને છેતરપીંડી આચરી હતી.