વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક મહિલા તાબે નહીં થતાં તેના પાંચ વર્ષના પુત્રની હત્યા કરવા બદલ આજીવન કેદ ભોગવતો કેદી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ જતા ડાકોરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાને સબંધ રાખવા માટે પાછળ પડેલા આણંદના મેઘવા ગામના જશવંત ઉર્ફે જશીઓ બળવંતભાઈ ચાવડાને મહિલાએ ઠપકો આપતા આવેશમાં આવી ગયેલા જશવંતે ઓગસ્ટ 2017 માં મહિલાના પાંચ વર્ષના પુત્રનું અપહરણ કરી ભાલેજની કેનાલમાં ડુબાડીને હત્યા કરી હતી. આ ગુનામાં કોર્ટે જશવંતને આજીવન કેદ અને 60000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો જશવંત ગઈ તા.23 ઓક્ટોબરના રોજ દસ દિવસ માટે પેરોલ પર છૂટ્યો હતો. તા.3 નવેમ્બર તેને જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયો ન હતો. જેથી જેલ સત્તાવાળાઓએ વડોદરા પોલીસને જાણ કરતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે જશવંત પર વોચ રાખી તેને ડાકોર બસ સ્ટેન્ડ પાસે બ્રિજ નીચેથી ઝડપી પાડી જેલ સત્તાવાળાઓને સોંપવા તજવીજ કરી છે.