- પોલીસે સ્થળ પરથી 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, વજન કાંટો કિંમત, એક મોબાઇલ ફોન ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 22,43,700નો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના એક મકાનમાંથી પોલીસે હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડી એક કેરિયરની અટકાયત કરી છે. જ્યારે તેના પિતાને વોન્ટેડ જાહેર કર્યા છે.
વડોદરાના તાંદલજા રોડ પર બેસિલ સ્કૂલની સામે આવેલા શકીલાપાર્ક સોસાયટીના મકાન નં. સી/9માં રહેતો આદીબ અબ્દુલ પટેલના ઘરે હાઇબ્રીડ ગાંજો હોવાનું અને તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જે બાતમી આધારે એસ.ઓ.જી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. એસ.ઓ.જી પોલીસે બાતમીવાળી જગ્યાએ મકાનમાં સર્ચ કરતા 22,02,000 રૂપિયાની કિંમતનો 734 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. સ્થળ પરથી આદિબ પટેલ મળી આવતાં તેની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલા તેના પિતા અબ્દુલ ઇબ્રાહીમ પટેલ સુરત તરફ હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી આદિબ પટેલ પાસેથી એક મોબાઇલ પણ કબજે કર્યો છે જેના આધારે ગાંજાનું નેટવર્ક જાણવા માટે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીના નેજા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, એક ડીજીટલ વજન કાંટો કિંમત રૂપિયા ૨૦૦ તથા એક મોબાઇલ ફોન કિંમત ૪૦ હજાર તથા અંગઝડતી તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 22,43,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નોંધનીય છે કે, આ મકાનમાં અગાઉ પણ ડ્રગ્સ મળી આવવાના કેસ બનેલા હતા અને અબ્દુલ પટેલ થોડા સમય પહેલા પણ પકડાયો હતો. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ અગાઉ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયેલ છે. તેમજ ગોત્રી પોલીસ સ્ટેશન અને જે.પી. રોડ પોલીસે સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે.