- તરસાલીમાં રહેતા મનોજભાઈ રાજે બાઇક પર બરોડા ડેરી તરફ જઈ રહ્યા હતા, આ દરમિયાન શાંતિનગર સોસાયટી સામે આવેલા ONGCના ગેટ પાસે કાર સાથે અકસ્માત સર્જાયો હતો
- મનોજભાઈને માથુ અને હાથ પગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
વડોદરાના મકરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં તરસાલીથી બરોડા ડેરી તરફ જવાના માર્ગે ગત રાત્રે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભીર સ્થિતિ હોવાને લઈ તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે બાઇકચાલકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા મનોજભાઈ રાજે તેઓના ઘરેથી કામ અર્થે બરોડા ડેરી તરફ જઈ રહ્યા હતા. દરિમયાન સામેના રોડનું કામકાજ ચાલતું હોવાથી એક તરફનો રોડ બંધ હતો અને વાહન અવરજવર માટે એક રોડ ચાલુ હતો. તે વખતે રાત્રિના 8.30 વાગ્યાની આસપાસ શાંતિનગર સોસાયટીની સામે આવેલા ONGCના ગેટ આગળ પસાર થતા હતા, તે દરમિયાન ફોર વ્હીલર કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બાદમાં તેઓની સ્થિતિ ખરાબ હોવાથી 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓની સ્થિતિ ગંભીર હોવાથી અકોટા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત દરિમયાન ચાલક મનોજભાઈને માથાના અને હાથ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં તેઓનું મોત નીપજ્યું હતું.
આ અંગે પૂર્વ મેયર અને હાલના કોર્પોરેટર નીલેશ રાઠોડે જણાવ્યું હતું કે, આ તરસાલી બરોડા ડેરી તરફના માર્ગે ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો. એક બાજુના રસ્તે કોર્પોરેશનનું કામ ચાલતું હોવાથી વન વે હતો અને તે દરમિયાન આ અક્સ્માત થયેલો છે. તેઓની ઉંમર 48 વર્ષની છે અને તેઓની સ્થિતિ ખરાબ હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હેડ ઇન્જેરી હોવાથી સિટી સ્કેન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓનું મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં પોલીસ તપાસ કરી રહી છે. આ અકસ્માત અંગે રજૂઆત કરી છે અને તેનું ચોક્કસ કારણ શોધીશું.