- ક્રાઇમ બ્રાન્ચે વાપી ખાતે જઇને આરોપી જતિન અરવિંદભાઇ કાવા (રહે. દર્શનમ આગમન, વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ)ને ઝડપી વડોદરા લાવીને જે.પી. રોડ પોલીસને સોંપ્યો
UKની વર્ક પરમીટના નામે નાણા પડાવીને છેતરપીંડી કરવાના ગુનામાં સંડોવાયેલ અને 7 માસથી નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાપીથી ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનના નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં જતિનભાઇ અરવિંદભાઇ કાવા (રહે. દર્શનમ આગમન, વાઘોડીયા ડભોઇ રીંગ રોડ, વડોદરા) ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. જેથી આરોપીને પકડી પાડવા અંગે કોર્ટ તરફથી વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. આ આરોપી અંગે પોલીસે હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નિકલ સર્વેલન્સ આધારે માહિતી એકત્રિત કરી હતી. આરોપી વાપી ખાતે આશ્રય લઇ રહેલ હોવાની માહિતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેથી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી ખાતે જઇને જતિનભાઇ અરવિંદભાઇ કાવાને ઝડપી પાડ્યો હતો અને વડોદરા લાવીને જે.પી. રોડ પોલીસને સોંપ્યો હતો.
આરોપીએ આચરેલા ગુનાની માહિતી પ્રમાણે, ફરિયાદનો પુત્ર UKમાં અભ્યાસ કરતો હતો, જેની વર્ક પરમીટ માટે જતિન કાવાનો સંપર્ક થતા તેને ફરિયાદીનો વિશ્વાસ કેળવીને વર્ક પરમીટ માટે પ્રથમ લેટર મેળવવા ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે રૂપિયા 9 લાખ રૂપિયા આરોપીએ અને આરોપીની પત્નીના ખાતામાં નંખાવ્યા હતા. પૈસા આપ્યા બાદ પણ ફરિયાદીના પુત્રને બાયોમેટ્રીક માટે કોઇ કંપની દ્વારા નહી બોલાવતા ફરિયાદીએ આરોપી પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા. જેથી, 2.50 લાખ રૂપિયા ઓનલાઇન પરત કર્યા હતા અને બાકીના રૂપિયાના ચેક આપ્યો હતો, જે ચેક ફરીયાદીએ બેંકમાં ડિપોઝિટ કરતા ચેક બાઉન્સ થયો હતો અને ફરિયાદીના બાકી નીકળતા વ્યાજ સાથેના 7.15 લાખ રૂપિયા પરત આપ્યા નહોતા. જેથી, આ મામલે જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.