પાદરાના મજાતણ-કરખડી રોડ ઉપર ઘરે જતાં યુવકનું ગળું પતંગની દોરીથી કપાઈ જતાં મોત

ઉત્તરાયણનો ઉત્સાહ શોકમાં ગરકાવ, મજાતણ ગામનો યુવાન પેટ્રોલ પુરાવી ઘરે જતો હતો

MailVadodara.com - A-young-man-died-after-his-throat-was-cut-by-a-kite-string-on-his-way-home-on-Majatan-Karkhadi-road-in-Padra

- પતંગની દોરી વાગવાથી ગંભીર રીતે ઈજા પામેલ મહેશ પરમારને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જોકે મહેશને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મજાતણ ગામના યુવાનનું પતંગની દોરીથી ગળુ કપાતા મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવાર અને ગામમાં ઉત્તરાયણનો ઉત્સાહ શોકમાં ગરકાવ થયો હતો. આ યુવાન પેટ્રોલ પુરાવીને ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન મજાતણ અને કરખડી રોડ ઉપર આ ઘટના બની હતી.

મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના મજાતણ ગામમાં રહેતો24 વર્ષીય મહેશ ગણપતભાઈ પરમાર તારીખ 15 મીના રોજ વાસી ઉતરાયણના દિવસે બપોરના સમયે મિત્ર જતીન વાળંદની બાઇક લઈને કરખડી પાસે પેટ્રોલ લેવા માટે ગયો હતો. પેટ્રોલ પુરાવીને પરત ઘરે આવી રહ્યો હતો દરમિયાન કરખડી અને મજાતણ રોડ ઉપર કપાયેલા પતંગનો દોરો ગળામાં આવી જતા તે નીચે પટકાયો હતો.


ધારદાર પતંગની દોરી ગળામાં વાગતા જ મહેશ લોહીલુહાણ થઇ ગયો હતો. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પતંગની દોરી વાગવાથી ગંભીર રીતે ઈજા પામેલ મહેશ પરમારને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે મહેશને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું.


આ બનાવવાની જાણ મહેશના ભાઈ અરવિંદ પરમાર તથા પરિવારજનોને થતા તેઓ સાથે ફળિયાના લોકો પણ દોડી આવ્યા હતા. મહેશ પરમારનું દોરી વાગવાથી મોત નીપજતાં પરિવાર અને ગામમાં ઉતરાયણનો ઉત્સાહ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવ અંગે વડુ પોલીસે મૃતક મહેશના ભાઇ અરવિંદ પરમારની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ કરી છે.

Share :

Leave a Comments