- એક વ્યક્તિ ડૂબી ગયું હોવાની જાણ સ્થાનિક તરવૈયાઓને કરતાં નાવડી ચાલકોએ તપાસ શરૂ કરી હતી
- વડોદરા ફાયર બ્રિગેડ અને SDRFને જાણ કરતા ટીમો ચાંદોદ રવાના થઇ
વડોદરા જિલ્લાના ચાંદોદ નર્મદા કિનારે પંચબલીની વિધિ કરાવવા અમરેલીનો પરિવાર આવ્યો હતો. આજે (21 એપ્રિલ) વહેલી સવારે પરિવારનો યુવાન નદીમાં નાહવા જતાં લાપતા થયો હતો. આ બનાવને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી છે.
મળેલી માહિતી પ્રમાણે, અમરેલીની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિજયભાઇ બાબુભાઇ રાઠોડ તેમની પત્ની, માતા-પિતા અને ભાઇ સહિત પરિવાર સાથે ચાંદોદ પંચબલીની વિધી કરાવવા માટે આવ્યા હતા. ત્રણ દિવસની વિધિ હોવાથી પરિવાર ચાંદોદમાં કપલેશ્વર બજારમાં એક હોટલમાં રોકાયું હતું. આજે પંચબલી વિધીનો અંતિમ દિવસ હતો. દરમિયાન વહેલી સવારે પરિવારના 43 વર્ષિય વિજયભાઇ રાઠોડ કપલેશ્વર ઘાટ ઉપર નદીમાં નાહવા માટે ગયા હતા, જ્યાં તેઓ પાણીમાં ડૂબી ગયાં હતા અને લાપતા થયા હતા.
એક વ્યક્તિ ડૂબી ગયું હોવાની જાણ કિનારે વિધિ કરાવી રહેલા અન્ય પરિવારે સ્થાનિક તરવૈયાઓને કરતાં નાવડી ચાલકોએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન હોટલમાં રોકાયેલા પરિવારને થતાં પરિવાર સ્થળ ઉપર દોડી આવ્યું હતું. સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે વડોદરા ફાયર બ્રિગેડ અને એસડી.આર. એફ.ને જાણ કરતા ટીમો ચાંદોદ રવાના થઇ હતી.
ચાંદોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનિષભાઇએ જણાવ્યું હતું કે, ધાર્મિક વિધિ માટે આવેલા અમરેલીના પરિવારના વિજયભાઇ રાઠોડ નદીમાં લાપતા શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તરવૈયાઓને સફળતા ન મળતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.