વડોદરામાં યુવક વિશાળ વૃક્ષ પર ચડી ગયો, બે કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યો

અલકાપુરી વિસ્તારમાં એક યુવક ગઈકાલે રાત્રે જ મહાકાય પીપળાના વૃક્ષ ઉપર ચડી ગયો હતો

MailVadodara.com - A-young-man-climbed-a-huge-tree-in-Vadodara-the-fire-brigade-rescued-him-after-two-hours-of-struggle

- પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે યુવકને સમજાવવા છતાં તે નીચે ઉતરી ચા નાસ્તો, પાણી અને તમાકુની માંગણી કરતો હતો, ફાયરના જવાનો ઝાડ પર ચડતા મારવાનો પ્રયાસ કરતો હતો

- આજે સવારે આસપાસના લોકોએ યુવકને વૃક્ષ ઉપર જોતા ફાયર વિભાગને જાણ કરી હતી


વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આજે દીપક નામનો એક યુવક વિશાળ પીપળાના વૃક્ષ પર ચડી ગયો હતો. બે કલાકની ભારે જહેમત બાદ વડીવાડી ફાયરબ્રિગેડની ટીમે યુવકને સહી સલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ તે યુવકને લઈ ગઈ હતી.


શહેરના અલકાપુરી વિસ્તારમાં એક યુવક ગઈકાલે રાત્રે જ મહાકાય પીપળાના વૃક્ષ ઉપર ચડી ગયો હતો. આજે સવારે આસપાસના લોકોએ યુવકને વૃક્ષ ઉપર જોયો હતો. જેથી તેઓએ તુરંત જ વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અને યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે યુવકને ખૂબ સમજાવ્યો હતો. યુવકને સમજાવવા છતાં તે નીચે ઉતરવા માટે તૈયાર નહોતો અને વિવિધ પ્રકારની માંગણીઓ કરી રહ્યો હતો. તે ચા નાસ્તો, પાણી અને તમાકુની માંગણી કરતો હતો. આ ઉપરાંત તેણે પોતાનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો અને હાથમાં લાકડું રાખી ધમકી આપી રહ્યો હતો.


વડોદરા ફાયર બ્રિગેડની ટીમે બે કલાક સુધી જહેમત કરી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો ઝાડ ઉપર ચડી ગયા હતા. યુવક ફાયર બ્રિગેડના જવાનોને માર મારવાનો પ્રયત્ન કરતો હતો. જેથી ફાયરના જવાનોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જોકે ભારે સમજાવટ અને ફાયર બ્રિગેડના જવાનોની મહેનત બાદ તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. હાલ આ યુવક કોણ છે અને કયા કારણોસર ઝાડ ઉપર ચડી ગયો હતો તે દિશામાં પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે.

વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે સવારે 8.30ની આસપાસ વડીવાડી ફાયર સ્ટેશનમાં એક કોલ મળ્યો હતો કે, અલકાપુરી રોડ પર પંચશીલ હોટલની પાછળની સાઈડ એક યુવક ઝાડ ઉપર ચડી ગયો છે. જેથી અમારી ટીમ સાથે અમે લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને આ સમયે યુવક ઝાડ ઉપર ચડેલો હતો. આ યુવકને ઉતારવામાં અમારી ટીમને ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી. યુવક અમારા ફાયર બ્રિગેડના જવાનોને મારવાના પ્રયાસ કરતો હતો અને ઝાડ પર વધુ ઊંચાઈ પર જવાના પ્રયાસ કરતો હતો અને અમારી વાત સાંભળવા તે તૈયાર નહોતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, યુવકની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું લાગતું હતું. ઝાડની ઉપર 40થી 45 ફૂટની ઊંચાઈએ તે હતો. જે ઝાડની ઉપર તે ચડ્યો હતો ત્યાં ફાયરના સાધનો પહોંચી શકે તેવી સ્થિતિ નહોતી. જેથી અમારા જવાનોને આ યુવકને નીચે ઉતારવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ યુવક અમારી પાસે ચા-પાણી અને નાસ્તાની ડિમાન્ડ કરતો હતો જેથી ડિમાન્ડ અમે પૂરી કરી હતી. જોકે બે કલાકની ભારે જહેમત બાદ અમે તેને રેસ્ક્યૂ કર્યો હતો.

રેસ્ક્યૂ કરાયા બાદ યુવક દિપકે જણાવ્યું હતું કે, મારો મોબાઇલ ચોરી થઈ ગયો હતો, પરંતુ મારું કોઈ સાંભળવા તૈયાર નહોતું, જેથી હું ઝાડ પર ચડી ગયો હતો.

Share :

Leave a Comments