- નાગરિક સંઘર્ષ મંચના તપનદાસ ગુપ્તા અને તેમની ટીમ દ્વારા અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે નાગરિકો પાસે સહી કરાવી અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે
શહેરના દાંડિયાબજાર બ્રિજ અને અકોટાને જોડતા પુલ પાસેના અકોટા તરફ રોડ પર ચાલતું કામ ઝડપથી પૂરું કરવા તથા કામના કારણે સિગ્નલ લાઇટ અને ટ્રાફિક વ્યવસ્થામાં ગેરવ્યવસ્થાને લઈને નાગરિકો પાસે સિગ્નેચર કરાવી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે.
વડોદરા શહેરના દાંડિયાબજાર બ્રિજ અને અકોટાને જોડતા પુલ પાસે કોર્પોરેશન દ્વારા લગભગ દોઢ મહિનાથી કોઈ અજ્ઞાત રિપેરીંગની કામગીરી ચાલી રહી છે.જે અન્વયે એ ચાર રસ્તા પર મુકેલ સિગ્નલ લાઇટ બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, ત્યાં ટ્રાફિક નિયમન માટે કોઈ અન્ય જોગવાઈ પણ કરેલ નથી. તેથી આવતા જતાં લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ રસ્તો વડોદરા ઓલ્ડ સિટી અને વડોદરા પશ્ચિમ વિભાગને જોડતો મહત્વનો રસ્તો છે. જ્યાં દિવસ દરમિયાન સતત ટ્રાફિક રહેતો હોય છે. અને ઓફિસ આવતા જતા વાહન ચાલકો નો ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે. પણ લગભગ એક માસથી રિપેરીંગની કામગીરી ચાલુ હોવાના કારણે આ અતિ ટ્રાફિકવાળા રસ્તા પર ખૂબ જ અવ્યવસ્થા જોવા મળી રહી છે અને જે રીતે સલામતીની જોગવાઈ હોવી જોઈએ તે નથી. જેને કારણે વાહન ચલાવનારને સતત ડર રહે છે કે કોઈ અકસ્માત કે અનહોની સર્જાય નહીં. એ રસ્તા પર સવારે 8 થી 11 અને સાંજે 5 થી 7 દરમિયાન ટ્રાફિક બેકાબૂ બની જાય છે. જેને લઈને નાગરિક સંઘર્ષ મંચ દ્વારા સ્થળ પરથી પસર થતાં વાહનચલકો તેમજ નાગરિકો પાસે સહી કરાવીની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સહી વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમજ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.