- વારંવાર માંગણી કરવા છતાં રૂપિયા પરત ન આપતા ટ્રાવેલ્સ એજન્ટ વિરુદ્ધ સિક્યુરિટી ગાર્ડે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી, ગોરવા પોલીસે ઠગ એજન્ટને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા પરિવારને મક્કા મદીના મોકલવાનું કહીને વિઝા બનાવી આપવાના બહાને 2.40 લાખ રૂપિયા ઠગ એજન્ટે પડાવી લીધા છે. વારંવાર માંગણી કરવા છતાં રૂપિયા પરત ન આપતા ટ્રાવેલ્સ એજન્ટ વિરુદ્ધ સિક્યુરિટી ગાર્ડે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ હુસેની પાર્કમાં રહેતા 53 વર્ષીય કુરેશી મુસ્તફા સિકંદરે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સિક્યુરીટી ગાર્ડ તરીકેની નોકરી કરી મારૂ તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારે તથા મારા પરિવારને ઉમરાહ માટે મક્કા મદીના ખાતે જવાનુ હોય ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામથી વેપાર-ધંધો કરતા સોએબ ઈકબાલભાઈ રાણાનો સંપર્ક કર્યો હતો. ગોરવા ખાતે આવેલી ઓફિસમાં જઈને મક્કા મદીના જવા અંગેની વાત કરી હતી. તેઓએ એક વ્યક્તિ દીઠ 65 હજાર રૂપિયા થશે અને તમારૂ મક્કાના જવાનું કામ 15 દિવસમાં થઈ જશે તેમ સોએબ ઇકબાલભાઈ રાણાએ જણાવ્યું હતું. જેથી અમે તેઓના વિશ્વાસમાં આવી ગયા અને તેના કહ્યા મુજબ નાણા 1.20 લાખ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કર હતા.
ત્યારબાદ બીજા નાણા વિઝા ટિકિટ આવ્યા બાદ ભરપાઈ કરવા જણાવ્યું હતું, પરંતુ 15 દિવસમાં અમને મક્કા મદીનાના વિઝા કે ટિકિટ આપ્યા નહોતા. જેથી અમોએ તેમનો સંપર્ક કરતા આ સોએબ ઇક્બાલ રાણાએ જણાવ્યું હતું કે, તમે બાકીના નાણા ભરપાઈ કરી આપશો તો તમારા વિઝા અને ટિક્ટિ આવી જશે બીજા રૂ.1.20 લાખ ફિસ્મત ચોક્ડી પાસે જઇને આપ્યા હતા, પરંતુ, વિઝા બનાવી આપ્યા ન હતા. સોએબ ઇકબાલ રાણા 2.40 લાખ રૂપિયા પડાવી લઈને મને તથા મારા પરિવારના સભ્યોને મક્કા મદીના ખાતે લઇ ગયો નહોતો અને ચૂકવેલા નાણા પરત ન આપી છેતરપીંડી કરી છે. જેથી મેં આ મામલે ઠગ સોએબ રાણા સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગોરવા પોલીસે ઠગ એજન્ટને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.