કમાટીબાગમાં પશુ-પક્ષીઓની સુરક્ષા માટે 2.62 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવાશે

નદી કાઠાનું ધોવાણ અટકાવવા પ્રોટેકશન વોલ બનાવવી જરૂરી

MailVadodara.com - A-protection-wall-will-be-constructed-at-a-cost-of-Rs-2-62-crores-to-protect-animals-and-birds-in-Kamatibagh

શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા વડોદરા મહાનગર પાલિકા હસ્તકના સયાજીબાગ (કમાટીબાગ)ના ઝુ વિભાગના પ્રાણીઓની સુરક્ષા માટે કોર્પોરેશન દ્વારા રૂપિયા 2.62 કરોડના ખર્ચે પ્રોટેકશન વોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ માસમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી કમાટીબાગના નિચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. જેના કારણે 5 જેટલા હરણો મરી ગયા હતા. આ ઉપરાંત કમાટીબાગમાં નાનું મોટું નુક્સાન થયું હતું. આ બાબતને ધ્યાનમાં લઇ કોર્પોરેશન દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવા માટે આયોજન કર્યું છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાના કામ માટે ઇજારદારો પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા હતા. જેમાં પાલિકાના અંદાજ કરતાં ઈજારદારનું નેટ અંદાજીત રકમથી 3.33 ટકા વધુ એટલે કે, રૂપિયા 2,62,61,758 મુજબના આવેલ ભાવપત્રને મંજૂરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે.

સ્થાયી સમિતીમાં પ્રોટેક્શન વોલ બનાવવા માટેનું ભાવપત્ર મંજૂર કરવા માટે આવેલી દરખાસ્ત મુજબ પાલિકા હસ્તકના શ્રી સયાજીબાગ ઝુ વિભાગ વિશ્વામીત્રી નદીનાં કિનારે આવેલી છે. નદી કાંઠાનું ધોવાણ અટકાવવા તેમજ ઝુમાં આવેલા પ્રાણીઓની સુરક્ષા માટે રિટેઇનીંગ- પ્રોટેકશન વોલ બનાવવી જરૂરી જણાય છે. આ બાબતે સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, નવી દિલ્હીએ ઇન્સ્પેકશન વિઝિટ દરમિયાન લેખિત સૂચન કર્યું છે.

આથી, ઝુની સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવા પ્રોટેકશન વોલ બનાવવાના કામે અંદાજ રૂપિયા 2,54,15,424નો બનાવી મંજૂરી આપવામાં આવી હતી. જે માટે ભાવપત્રો મંગાવતા ત્રીજા પ્રયત્ને બે ઇજારદારોના ભાવો આવ્યા હતા. સયાજીબાગ ઝુ વિભાગમાં આવેલા હયાત વિશ્વામીત્રી નદીના ધારે પ્રોટેકશન વોલ બનાવવાના કામે ઈજારદાર હાલાર કન્સ્ટ્રકશન કંપનીનું નેટ અંદાજીત રકમથી 3.33 ટકા વધુ રૂપિયા 2,62,61,758 (+GST) મુજબના આવેલા ભાવપત્રને સ્થાયી સમિતી સમક્ષ રજૂ કરી મંજૂરી મેળવી આપવા પ્રક્રિયા હાથ ધરી છે.

Share :

Leave a Comments