- ઘટનામાં પાંચથી સાત જેટલી સાયકલો કાટમાળમાં દટાઈ, સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક રૂમની દિવાલ ધરાશાયી થઈ હતો. આ દુર્ઘટનામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માથામાં ઈજા થતાં ટાંકા આવ્યા છે. જેની પ્રાથમિક સારવાર બાદ વાલીઓ ઘરે લઈ ગયા છે. આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતુ અને વધુ તપાસ શરૂ કરી છે. સદનસિબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ અંગે ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ રૂપલબેન શાહે જણાવ્યું હતું કે, આ બાળક ધોરણ સાતમાં અભ્યાસ કરે છે અને આ ઘટના 12:30 વાગ્યાની આસપાસ બની હતી. તે દરમિયાન અમે અમારી ઓફિસમાં હતા અને અવાજ આવતાની સાથે જ અમે ત્યાં પહોંચ્યા હતા. આ ઘટનામાં બાળકોની કેટલીક સાયકલો દટાઈ હતી. અમને ખ્યાલ પણ નહોતો કે આવી ઘટના બનશે. ત્યારે કોઈ નોટિસ આપવામાં આવી નથી અને અમારા ટ્રસ્ટી આવશે ત્યારે અમે નિર્ણય કરીશું.
આ સમગ્ર ઘટના રિસેસના ટાઈમમાં બની હોવાથી કેટલાય બાળકોના જીવ બચ્યા છે. અચાનક બનેલી આ પાંચથી સાત જેટલી સાયકલો કાટમાળમાં દટાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાની જાણ થયાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આજે વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.