- મહિલાના શરીર પર મગરે ફાડી ખાઘાના નિશાન પણ મળી આવ્યા
- પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો, મહિલાનો મૃતદેહ મળતા પરિવારે આક્રંદ કર્યું
વડોદરા પાસે આવેલા કોટલીથી માંગરોળ તરફ વિશ્વામિત્રી નદીમાં મગર 52 વર્ષીય મહિલાને ખેંચી ગયો હતો. જેના 40 કલાક બાદ મહિલાનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. મહિલાના શરીર પર મગરે ફાડી ખાઘાના નિશાન પણ મળી આવ્યા છે. ફાયર બ્રિગેડ મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. નદીમાંથી મહિલાનો મૃતદેહ મળતા પરિવારે આક્રંદ કર્યું હતું.
વડોદરા પાસેના કામરોલ ગામેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વારંવાર મગરો દેખા દેતા હોય છે. અહીં ખેતરો સાચવવા માટે કેટલાક શ્રમજીવી પરિવારો પણ રહેતા હોય છે. રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આધેડ મહિલા મેથલીબેન ભિલાલા પશુ ચરાવતા હતા, તે દરમિયાન એક ઢોર સામે કિનારે જતું રહેતા તેને લેવા નદી ક્રોસ કરવાં જતા તેઓને એક મગર નદીમાં ખેંચી ગયો હતો.
આ બનાવના મેસેજ મળતાં જ ગામ લોકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામરોલ, કોટાલી તેમજ માંગરોલ ગામ સુધી શોધખોળ કરવામાં હતી. સતત બે દિવસ સુધી વડોદરા ફાયર વિભાગની એક ટીમ દ્વારા મહિલાની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં મૃતદેહ મળ્યો નહોતો.
આ દરમિયાન આજે સવારે મહિલાનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. જેથી પોલીસ, વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ફાયર બ્રિગેડે પોલીસને સોંપ્યો હતો. ત્યાર બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મહિલાને મગર જે સ્થળથી ખેંચી ગયો હતો, ત્યાંથી અડધો કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવ્યો છે.
આ અંગે પાણીગેટ ફાયર વિભાગમાં કામ કરતાં સર સૈનિક સુરેશભાઈએ જણાવ્યું હતું કે, આ 52 વર્ષીય આધેડ મહિલા ઢોર ચરાવવા ગઈ હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી. સ્થળ પરથી ચંપલ અને કપડા મળી આવ્યા હતા. અમે સતત બે દિવસ સુધી મહિલાના મૃતદેહની શોધખોળ કરી હતી. આજે મહિલાનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. જેથી સવારે અમારી ટીમે પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો.