- ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી નીકુંજ પારેખ (શર્મા)એ ચોરી કરેલા 6 ટુ-વ્હીલર વાહનો કબ્જે કરી 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપી અગાઉ બે વાહન ચોરીમાં પકડયેલો હતો
છેલ્લા 15 દિવસમાં વડોદરા શહેરના જુદા-જુદા જગ્યાઓથી ટુ-વ્હીલર વાહનોની ઉઠાંતરી કરનાર રીઢા આરોપીને શોધી કાઢી વાહનચોરીના 6 ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે, ઠેકરનાથ સ્મશાન રોડ ખાતેથી શંકાસ્પદ એકટીવા સાથે નીકુંજ મહેશભાઇ પારેખ (શર્મા) (રહે. આનંદનગર, કારેલીબાગ પાણીની ટાંકી રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આ ઇસમ પાસેની એકટીવા શંકાસ્પદ જણાતા એકટીવાને તપાસ અર્થે કબજે કરી હતી અને આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ સઘન પુછપરછ કરવામાં આવતા આ ઇસમે છેલ્લા 15 દિવસમાં વડોદરા શહેરમાં જુદી-જુદી જગ્યાએથી 6 જેટલા ટુ-વ્હીલર વાહનોની ઉઠાંતરી કરી હોવાની કબુલાત કરી હતી.
આ ઇસમ દ્વારા ચોરી કરેલ ટુ વ્હીલર વાહનોને શોધી કાઢીને 6 ટુ વ્હીલર વાહનોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. તેમજ આ વાહનો અંગે ખાત્રી તપાસ કરતા આ આરોપી દ્વારા ચોરી કરેલ ટુ વ્હીલર વાહનો અંગે વડોદરા શહેરના કારેલીબાગ, હરણી, ફતેગંજ અને બાપોદ પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુનાઓ નોંધાયેલ છે, જેથી આ તમામ પોલીસ સ્ટેશનને પકડાયેલ આરોપી અને કબજે કરેલા વાહનો અંગે જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપીએ પાસેથી 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ આરોપી નિકુંજ પારેખ (શર્મા) અગાઉ વર્ષ-2024-25માં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે.