- ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ તપાસ અર્થે વાડી પોલીસ મથકને હવાલે કર્યો
વડોદરા શહેરમાંથી હદપાર કરેલો અને ચોરી તેમજ ચેઇન સ્નેચિંગના ગુન્હામાં નાસતો ફરતો આરોપી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ તપાસ અર્થે વાડી પોલીસ મથકને હવાલે કર્યો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, મહેન્દ્રસિંગ દિલીપસિંગ સિકલીગર (રહે.જલારામ નગર ઝૂંપડપટ્ટી, મહાનગર સામે ડભોઇ રોડ) શહેરમાંથી હદપાર કરેલો હોવા છતાંય હાલમાં ડભોઇ રોડ પર મહાનગર સોસાયટી પાસેના વુડાના મકાનોમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી મહેન્દ્રસિંગ સિકલીગરને એક વર્ષ માટે વડોદરામાંથી તડીપાર કર્યો હોવા છાંટાય કોઈ પણ પ્રકારની લેખિત મંજૂરી વિના તે શહેરમાં પ્રવેશ્યો હતો.
જ્યારે વર્ષ 2024માં વાડી પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગ તેમજ મકરપુરા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હતો. જે કબુલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વાડી પોલીસ મથકમાં હદપારી ભંગ તેમજ ચેઇન સ્નેચિંગના ગુન્હાની વધુ તપાસ માટે આરોપીને વાડી પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો છે.