વડોદરા શહેરના જેતલપુર કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે ભર ઉનાળે ભુવો પડ્યો

હવે ભર ઉનાળામાં પણ ભૂવા પડવાનું શરૂ થતાં પાલિકા સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો

MailVadodara.com - A-flash-flood-occurred-near-the-Jetalpur-Kashi-Vishweshwar-Mahadev-Temple

- તંત્રએ સાવધાની માટે ભૂવાની બંને બાજુએ બેરીકેટ મૂકીને સંતોષ માન્યો


વડોદરા શહેરના જેતલપુર કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે ભરઉનાળે 20 ફૂટ જેટલો ઉંડો ભુવો પડ્યો હતો. ચોમાસામાં તો શહેરમાં પાલિકા એક ભૂવો પૂરે ત્યાં બીજો ભૂવો પડતો હોય છે. પરંતુ, હવે ઉનાળામાં પણ ભૂવા પડવાની શરુઆત થઈ ગઈ છે. પાલિકા દ્વારા હાલ બેરીકેટ મૂકી અકસ્માત નિવારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે ઉનાળામાં પણ ભૂવા પડવાની શરુઆત થતાં લોકોમાં પાલિકા સામે રોષ ભભૂકી ઉઠયો છે.


વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવા એ સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ હવે તો ઉનાળામાં પણ ભૂવા પડી રહ્યાના કિસ્સા બની રહ્યા છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ-પશ્ચિમ રોડને જોડતા જેતલપુર ગરનાળા નજીક આવેલા જેતલપુર કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર ભૂવો પડતા હવે આખેઆખો રોડ બેસી જાય તેવી દહેશત સેવાઇ રહી છે. રોડ પર ડીવાઇડરને અડીને 20 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડતાં તંત્રએ સાવધાની માટે ભૂવાની બંને બાજુએ બેરીકેટ મૂકીને સંતોષ માન્યો છે.


ઉલ્લેખનીય છે કે, જેતલપુર કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ વાહનોથી ધમધમતો રહે છે. ત્યારે આ રોડના ડિવાઈડરની નજીકમાં ભૂવો પડતા તંત્રની પોલ ખુલી ગઈ છે. અવાર નવાર ભૂવા પડતાં રોડનું આડેધડ કામ કરનાર કોન્ટ્રાક્ટરો સામે પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ કાશી વિશ્વેશ્વર મહાદેવથી ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડેલા છે. તથા ત્રણેક દિવસ અગાઉ સમા સાવલી રોડની ઊર્મિ સ્કૂલ પાસેના બ્રિજ પર પણ રોડ ડીવાઇડરની બાજુમાં એક ભૂવો પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રોડ રસ્તા પર પડતા ભૂવા હવે સામાન્ય બની ગયા છે ત્યારે નવાઈની વાત તો એ છે કે, ત્રણ દિવસ અગાઉ સમા-સાવલી રોડ પર આવેલા ઊર્મિ સ્કૂલ પાસેના બ્રિજ પર પણ રોડ ડીવાઇડરની બાજુમાં જ એક ભૂવો પડતા અચરજ ફેલાયું હતું.

Share :

Leave a Comments