- સિલીન્ડરમાં આગ લાગતાની સાથે જ સિલીન્ડર પર પાણીથી પલાળેલું કપડું ઢાંકી પરિવારના 7 સભ્યો સાથે ઘરની બહાર દોડી ગયા હતા
શહેરના સમા કેનાલ રોડ વિસ્તારમાં મહેનતકશ પરિવારના કાચા મકાનમાં આજે સવારે સિલીન્ડર ફાટતા આગ ફાટી નીકળી હતી. પરિવારના 7 સભ્યો આગ લાગતાની સાથે જ ઘરની બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને આગ કાબુમાં લીધી હતી. પરિવારનો તમામ ઘરવખરી સામાન બળીને ખાખ થઇ ગયો હતો. બ્લાસ્ટના કારણે છતના પતરાં ઉડી જતાં પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં પરિવાર બેઘર બન્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે શહેરના સમા-કેનાલ રોડ વિસ્તારના વિજયરાજ નગરમાં સ્કૂલની પાછળના ભાગમાં 7 સભ્યોનું મહેનત કશ પરિવાર સિમેન્ટના કાચા પતરાંવાળા મકાનમાં સંજયભાઇ અને તેમનું પરિવાર રહે છે. સંજયભાઇ કડીયા કામ કરે છે. જ્યારે પત્ની અને બાળકો છૂટક મજૂરી કામ કરે છે. સવારે 8-30 વાગ્યાના સુમારે પરિવારની મહિલા રસોઇ બનાવી રહી હતી. દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. સિલીન્ડરમાં આગ લાગતાની સાથે જ સંજયભાઇ આગ લાગેલા સિલીન્ડર ઉપર પાણીથી પલાળેલું કપડું ઢાંકી પરિવારના 7 સભ્યો સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા. પરિવાર ઘરની બહાર આવતાની સાથે ગણતરીની મિનીટોમાં સિલીન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો.
પ્રચંડ ધડાકા સાથે સિલીન્ડર ફાટતા જ કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. તે સાથે ઘરમાં રહેલો ઘરવખરી સામાન બળીને ખાખ થઇ ગયો હતો. પરિવારે દાવો કર્યો હતો કે, ઘરમાં મહેનત મજૂરી કરીને એકઠી કરેલી રોકડ રકમ પણ બળીને ખાખ થઇ ગઇ હતી. સિલીન્ડર ફાટ્યા બાદ ફાયર બ્રિગેડના લાશ્કરો પહોંચી ગયા હતા અને પાણી મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ બનાવમાં ગેસ સિલીન્ડરના ટુકડા થઇ ગયા હતા.
સમા કેનાલ રોડ વિસ્તારમાં સવારે બનેલી આ ઘટનામાં પરિવારના મકાનનું છાપરું ઉડી જતાં અને ઘરનો સામાન બળીને ખાખ થઇ જતાં પાંચ બાળકો સહિત 7 સભ્યોનું પરિવાર બેઘર થઇ ગયું હતું. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાંજ સિલીન્ડર બ્લાસ્ટ થવાના કારણે છાપરાં ઉડી જતાં પરિવાર કફોડી સ્થિતીમાં મુકાઇ ગયું હતું. આસપાસમાં રહેતા લોકોએ પરિવારને આશરો આપ્યો હતો. અને પરિવાર માટે જમવાની વ્યવસ્થા કરી હતી.