- ખેડૂતને પરિચીત પિતરાઇ ભાઇઓએ ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ પધરાવી ઠગાઇ કરી
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામના ખેડૂતને પરિચીત પિતરાઇ ભાઇઓએ ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ પધરાવી રૂપિયા 1 લાખની ઠગાઇ કરી હતી. આ બનાવ અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વાઘોડિયા તાલુકાના વ્યારા ગામના ઉંડા ફળિયામાં હરીશભાઇ રામદાસભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. ખેતીકામ કરીને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. એક વર્ષ અગાઉ ગામની સિમમાં જમીનમાં પાઇપ લાઇન નાંખવાનું કામ હોવાથી તેઓ રાજુભાઇ અમલાભાઇ શર્માના સંપર્કમાં આવ્યા હતા. છ માસ પહેલા રાજુ શર્માએ હરીશભાઇને ફોન કરી જણાવ્યું હતું કે, હું અને મારા માસીનો દીકરો રાહુલ શર્મા ભુજ ખાતે જેસીબીથી ખોદકામ કરતા હતા. ત્યાંથી ચાર સોનાના બિસ્કીટ અને બે ચાંદીના બિસ્કીટ મળ્યા હતા. દિકરીના લગ્ન માટે સોના-ચાદીના બિસ્કીટની અવેજીમાં રૂપિયા 25 લાખ માંગ્યા હતા.
દરમિયાન હરીશભાઇ પટેલે ઠગ રાજુ શર્માને જણાવ્યું કે, મારી પાસે એટલા રૂપિયાની સગવડ વથી. તમે સોનું લઇને આવો, ખાત્રી કર્યા બાદ બનતી મદદ કરીશું. જાન્યુઆરી - 2025 માં રાજુ શર્મા અને રાહુલ શર્મા વાઘોડિયા જીઆઇડીસી ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે સોના જેવી ધાતુના સેમ્પલના બે ટુકડા આપ્યા હતા. જેની ખાતરી કરાવ્યા બાદ મળવાનું નક્કી થયું હતું.
બીજા દિવસે ધાતુની ખાતરી કરાવતા ખરેખર સોનું હોવાનું જાણાઇ આવ્યું હતું. બાદમાં બંને ઠગ પિતરાઇ ભાઇઓ રાજુ શર્મા અને રાહુલ શર્માને હરીશભાઇએ રૂપિયા 1 લાખ આપ્યા હતા. જોકે, અગાઉ બતાવેલા સોના જેવા ટુકડા ખરેખર સોનાના હોવાથી હરીશભાઈને ઠગો ઉપર વિશ્વાસ મૂક્યો હતો. અને સોનાના ડુપ્લીકેટ બિસ્કિટના બદલામાં રૂપિયા 1 લાખ આપી દીધા હતા.
દરમિયાન હરીશભાઇ પટેલે પુનઃ સોનાના બિસ્કીટની તપાસ કરતા પિત્તળના હોવાનું જણાઇ આવતા ચોંકી ઉઠ્યા હતા. અને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા તેઓએ વાઘોડિયા પોલીસ મથકમાં પિતરાઇ ભાઇઓ રાજુભાઇ આમલાભાઇ શર્મા અને રાહુલભાઇ રામકિશન શર્મા (બંને રહે. બજેડી, અલવાર, ગોવિંદગઢ) સામે ફરિયાદ નોંધવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.