ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા સાયકલિંગના શોખીન યુવકનું મોત

સાઇકલિંગનો શોખ ધરાવતા સંજયભાઇ વર્મા મિત્રો સાથે સાયકલ લઇ મોડાસા ગયા હતા

MailVadodara.com - A-cycling-enthusiast-dies-after-hitting-an-unknown-vehicle-near-Golden-Chowkdi-Bridge

- નીલાંબર સર્કલ પાસે આવેલ ખાનગી કંપનીમાં સિનિયર એન્જિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ ભાયલી ગામના સંજય વર્મા પત્ની સાથે સુભાનપુરામાં રહેતા હતા

- અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ

વડોદરા શહેરના વાસણા-ભાઈલી રોડ ઉપર આવેલ નીલાંબર સર્કલ પાસેની ખાનગી કંપનીમાં સિનિયર એન્જિનિયર સાથે મેનેજર તરીકે નોકરી કરતા અને સાઇકલનો શોખ ધરાવતા યુવાન તેમના મિત્રો સાથે સાયકલ ઉપર સાયકલિંગ કરી મોડાસા ગયા હતા. ત્યારબાદ મોડાસાથી પરત આવતા વહેલી સવારે ગોલ્ડન ચોકડી પાસે અજાણ્યા વાહનચાલકની ટક્કરે ગંભીર ઇજાઓ થતાં યુવાન મોતને ભેટ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વડોદરા શહેરના ભાયલી ગામે રહેતા અને છ મહિના અગાઉ જ સુભાનપુરા સૌરભ પાર્કમાં રહેવા આવેલા સંજયભાઈ હિંમતભાઈ વર્મા (ઉં.વ.42) તેમના પત્ની સાથે રહેતા હતા. વાસણા-ભાઈલી નીલાંબર સર્કલ પાસે આવેલ ખાનગી કંપનીમાં સિનિયર એન્જિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. સાથે તેઓ સાયકલિંગનો પણ શોખ ધરાવતા હતા.

ગઈકાલે તેમને કંપનીમાં શનિ-રવિની રજા હોવાથી તેઓ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ તેમના ચાર જેટલા મિત્રો સાથે સાયકલ ઉપર હાલોલ-ગોધરા રોડ ઉપર સાયકલિંગ કરી મોડાસા ગયા હતા. જ્યાં દિવસ દરમિયાન રોકાઈને વહેલી સવારે પરત આવી રહ્યા હતા. તે વખતે સાડા પાંચ વાગ્યાની આસપાસ ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી સાયકલ પર પસાર થતા હતા. તે વખતે અજાણ્યા વાહનચાલકે સંજય હિંમતભાઈ વર્માની સાયકલને ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ભાગી છુટ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલ સંજયભાઈ વર્માનું મૃત્યુ થયું હતું. અકસ્માત મોતના બનાવને પગલે હરણી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments