પૂરપાટ જતી કારે પાર્ક કરેલી કારને પાછળથી ટક્કર મારી પલટી ગઈ, ઘટના CCTVમાં કેદ

મંગળવારે મોડીરાત્રે ગોત્રી ESI હોસ્પિટલ પાસે કાર પલટીને ડિવાઇડર પર ચડી ગઈ હતી

MailVadodara.com - A-car-going-through-a-flood-hit-a-parked-car-from-behind-and-overturned-the-incident-was-captured-on-CCTV

- અકસ્માતને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું

- કારચાલક પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા, કારચાલકની પત્નીએ કહ્યું કે, નશામાં હતો તો શું થયું? કોઈને કશું થયું?


વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અકસ્માતો થઈ રહ્યા છે. 8 એપ્રિલને મંગળવારે મોડીરાત્રે ગોત્રી ESI હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તામાં પાર્ક કરેલી કારની પાછળથી ટક્કર મારીને અચાનક પલટી ખાઈ ગઈ હતી, જેને અકસ્માતને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતુ. અકસ્માતની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. અકસ્માત સમયે કારચાલક પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા. તો બીજી તરફ કારચાલકની પત્નીએ બેજવાબદારીપૂર્વક કહ્યું કે, નશામાં હતો તો શું થયું? કોઈને કશું થયું? સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું.


વડોદરા શહેરમાં કારચાલકો બેફામ બન્યા છે, તેમ છતાં વડોદરા શહેર પોલીસ રાત્રિના સમયે પૂરપાટ ઝડપે કાર હંકારતા ચાલકોને રોકવામાં નિષ્ફળ નીવડી છે. વડોદરા શહેરમાં મંગળવારે રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગોત્રી ESI હોસ્પિટલ પાસે પૂરપાટ આવતા મારૂતિ બ્રેઝા કારના ચાલકે રસ્તમાં પાર્ક કરેલી કારમાં પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બ્રેઝા કાર કાગળની જેલ પલટી ખાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાતાની સાથે ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. લોકોએ ભેગા થઇને કારને ધક્કો મારીને ડિવાઈડર પરથી સીધી કરી હતી.

કારની સ્થિતિ જોઈને લાગતું હતું કે, કાર વધુ સ્પીડમાં હતી અને ચાલક પીધેલો હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા. બીજી તરફ અકસ્માતની ઘટના સીસીટીવી પણ સામે આવી છે, જેમાં કારચાલક રસ્તા પર પાર્ક કરેલી કારને ટક્કર મારે છે અને ત્યારબાદ તેની કાર પલટી ખાઈને ડિવાઇડર પર ચડી જાય છે. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારચાલકની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.


અકસ્માત બાદ કારચાલકનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેમાં કારચાલકની પત્ની કહેતી હતી કે, નશામાં હતો તો શું થયું? કોઈને કશું થયું? જેને પગલે સ્થળ પર હાજર સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ માંગણી કરી હતી કે, કારચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રક્ષિતકાંડ થયા બાદ સતત અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં મોટા ભાગના કેસોમાં કારચાલકો દારૂના નશામાં ધૂત થઈને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. પોલીસ એક-બે દિવસ ડ્રાઈવ ચલાવે છે, પછી કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે આવા કારચાલકો બેફામ બન્યા છે.


Share :

Leave a Comments