- વહેલી સવારે બુલડોઝર લઈ પહોંચેલા નગરપાલિકાના સ્ટાફે વીજ કંપનીને બોલાવી વિજ કનેક્શન દૂર કાપી દુકાનદારોને દુકાનો ખાલી કરવા બે કલાક સમય આપ્યો હતો
વડોદરાના વાઘોડિયા નગરપાલિકા દ્વારા દબાણોનો સફાયો શરુ કરવામાં આવ્યો છે. સમયાંતરે પાલિકા સાથે વહિવટી તંત્ર આ પ્રકારની કામગીરી કરી જાહેર રસ્તા પરના દબાણોનો સફાયો અગાઊ પણ કરવામા આવ્યો હતો. જે અંતર્ગત વાઘોડિયા જુની પોસ્ટ ઓફિસ રોડ પાસે આવેલી આઠ જેટલી કાચી પાકી દુકાનો નગરપાલિકા દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવી હતી.
વાઘોડિયાના મુખ્ય બજાર અને જાહેર માર્ગો પર ટ્રાફિકની વકરતી સમસ્યાને લઇ નગરજનો અને વાહનચાલકોને પડતી હાલાકી મામલે નગરપાલિકા એક્શનમાં આવ્યું છે. જે અંતર્ગત આઠ જેટલી દુકાન ગ્રામ પંચાયતમાં ધરાવતા લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જે બાદ બે જેસીબી મશીન નગરપાલિકાના સ્ટાફ સાથે વાઘોડિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છે, દુકાનોને જમીન દોસ્ત કરવામાં આવી હતી.
જોકે, વહેલી સવારે પહોંચેલા બુલડોઝર લઈ નગરપાલિકા કર્મચારી સ્ટાફે સૌપ્રથમ વીજ કંપનીને બોલાવી વિજ કનેક્શન દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જે બાદ દુકાનદારો દ્વારા દુકાનો સમયસર ખાલી ન કરતા બે કલાક જેટલા સમયની મોહલત આપી હતી. જે બાદ નગરપાલિકા કર્મચારીઓના કામદારો દ્વારા દુકાનો ખાલી કરી તેના પર બુલડોઝર ફેરવી દેવાયુ હતું અને દુકાનોને જમીનદોસ્ત કરી નાખવામાં આવી હતી.
આ સાથે દબાણો દૂર થતા જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઊંમટી પડ્યા હતા. જોકે, હજુ પણ વિવિધ વિસ્તારમાં જે રીતે ગ્રામ પંચાયત અને સ્ટેટ રોડ પર દબાણ કર્તાઓમાં નગરપાલિકાની કામગીરીથી ફફડાટ ફેલાયો હતો. જો આજ રીતે કાર્યવાહી કાયમી ધોરણે થાય તો કદાચ અહીંયા ટ્રાફિકની સમસ્યાથી કાયમી છુટકારો મળી શકે છે.