ઉત્તરાયણના તહેવારને હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે બાળકોમાં પતંગને લઇ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. તેવામાં માતા-પિતાએ બાળકોને ખાસ દેખરેખ રાખવાની જરૂર છે, એક તરફ પતંગના દોરાથી ગળા કપાવવાના અનેકો કિસ્સો પાછલા વર્ષોમાં બનવા પામ્યા છે. જોકે ઉત્તરાયણ આવતા પહેલા જ માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો બનાવ પામ્યો છે. જેમાં પંતગ પકડવા જતા માસૂમ બાળક તળાવમાં પડતા આખરે જીવ ગુમાવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, ગતરોજ સુભાનપુરા સ્થિત ઇલોરાપાર્ક પોલીસ ચોકીની ગલીમાં આવેલા તળાવ નજીક સાંજના પાંચ વાગ્યાની આસપાસ 9 વર્ષીય રોનક રમતો હતો. જ્યાં અચાનક એક પતંગ કપાઇની આવતી જોઇ રોનક તેને પકડવા દોડ્યો હતો. જોત જોતામાં આ બાળક તળાવના કિનારે પહોંચી ગયો અને અચાનક તેનો પગ લપસતા તળાવમાં પડ્યો હતો.
બીજી તરફ રોનક અચાનક જોવા ન મળતા તેના માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. થોડા સમય બાદ જાણવા મળ્યું કે, નજીકના તળાવમાં કોઇ પડ્યું હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરાતા વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તુંરત સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ ફાયર બ્રિગેડની સફળતા મળી ન હતી. ત્યારે વહેલી સવારથી ફરી ફાયર બ્રિગેડની ટીમ તળાવમાં રોનકની શોધમાં લાગી હતી. તેવામાં છાણી ટીપી 13 ફાયર બ્રિગેડની ટીમે આજે સવારે શોધખોળ કરતા અંદાજીત આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડના લાશ્કરોને રોનક મૃત હાલતમાં મળી આવ્યો હતો.