વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ પાણીના સોર્સને એકબીજા સાથે જોડવાની કામગીરી ફેઝ-2 હેઠળ 8.60 કરોડના ખર્ચે કરાશે. આ માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઈ છે. જયારે શહેરમાં કોઈ એક વોટર સોર્સમાં ક્ષતિ સર્જાય ત્યારે તેની અસરથી પાણીનો કકળાટ ઊભો ન થાય તેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવનાર છે.
વડોદરા કોર્પોરેશનના મહી નદી ખાતે ચાર ફ્રેન્ચવેલો ફાજલપુર રાયકા, દોડકા તથા પોઈચા ખાતે આવેલા છે. આ કૂવાઓ દ્વારા શહેરમાં અંદાજે 300 એમ.એલ.ડી. પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત વડોદરા સિંધરોટ ખાતે આવેલા 300 એમ. એલ.ડી. ઈન્ટેકવેલ 150 એમ.એલ. ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરાયો છે. જેના દ્વારા શહેરમાં હાલ અંદાજે 120 એમ.એલ.ડી. પાણી પુરવઠો મળે છે. અગાઉ વર્ષ 2013-2014 માં શેરખી ખાતે 35 એમ.એલ.ડી. કેનાલ બેઈઝ ઇન્ટેક સ્ટ્રક્ચર, તેમજ ખાનપુર ખાતે 75 એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કર્યો છે. શહેરમાં 75 એમ.એલ.ડી. પાણી પુરવઠો તેના દ્વારા મળે છે. આ ઉપરાંત આજવા સરોવર અને નિમેટાથી વડોદરાને 150 એમ.એલ.ડી પાણી પુરવઠો મળે છે.તમામ સોર્સ પૈકી કોઈ એક સ્થળે પાણી વિતરણવ્યવસ્થામાં ખામી આવે તો હાલના તબક્કે ઘટ સરભર કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. એક વોટર સોર્સનું પાણી બીજા વોટર સોર્સનાં કમાન્ડ વિસ્તારમાં પહોંચાડી શકાય તે માટે હાલ કોર્પોરેશન પાસે વ્યવસ્થા નથી. આ સિવાય
કોઈપણ વોટર સોર્સની લાઈનમાં લીકેજ થાય અથવા તો શટડાઉન થાય તો એક સોર્સનું પાણી અન્ય સોર્સનાં કમાન્ડ વિસ્તારમાં પહોંચાડવા માટે જરૂરી લાઈનો નાંખી આંતરિક જોડાણ કરવું પડે. પાણીનો પણ જથ્થો જાળવી રાખવા ફીડર લાઈનનું યોગ્ય શોર્ટિંગ કરવાની પણ જરૂરિયાત છે. વિક્ષેપ સમયે આજવા માસ્ટર બેલેન્સીંગ રિઝરવોયર આજવા ટાંકીથી ઉપરવાસ સુધી 39 ઈંચ ડાયામીટરની પાણીની લાઈન નાખવાથી આજવા ટાંકી, ખોડીયાર નગર બુસ્ટર, એરપોર્ટ બુસ્ટર, નોર્થ હરણી તેમજ કારેલીબાગ ટાંકીને અંશતઃ ફલોથી પાણી પુરું પાડી શકાશે. આજવા પાણીના સોર્સનાં ડીસ્ટર્બન્સનાં સમયે તરસાલી સમ્પથી હાલની 36 ઈંચ ડાયામીટરની લાઈન સાથે કનેકશન કરવાથી સિધરોટ વોટર ટ્રીટમેન્ટનું પાણી કપુરાઈ, બાપોદ, સોમાતળાવ, ગાજરાવાડી, નાલંદા વગેરે ટાંડીઓને અંશતઃ ફલો આપી શકાશે.