નોકરી પર જતા ૬૨ વર્ષના સીનિયર સિટિઝનને ઘર પાસે જ સ્કૂલવાનના ચાલકે ટક્કર મારતા તેઓ બેભાન થઇ ગયા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.
વડસર રોડ નંદીગ્રામ સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષના હરીશભાઇ નિંબાજીભાઇ સોની કલાલી કાન્હા સિટિ સોસાયટીમાં એડમિનિસ્ટેર મેનેજર તરીકે નોકરી કરતા હતા. આજે સવારે સવા આઠ વાગ્યે તેઓ ઘરેથી કલાલી કાન્હા સિટિમાં નોકરી જવા નીકળ્યા હતા. ઘરની બહારનો મેન ગેટ તેઓ બંધ કરતા હતા. તે સમયે એક કાર ચાલક માંજલપુર કોતર તલાવડી તરફથી વડસર રોડ તરફ આવતો હતો. તેણે હરીશભાઇને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાતા બેભાન થઇ ગયા હતા. જેથી, હરીશભાઇનો પુત્ર દોડી ગયો હતો.તે ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. કાર ચાલક હિતેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર (રહે.તુળજાનગર, કોતર તલાવડી, અલવા નાકા, માંજલપુર) જાતે જ પોલીસ સ્ટેશન જતો રહ્યો હતો. માંજલપુર પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. એ.એસ.આઇ. ધર્મેશભાઇએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, હિતેન્દ્રસિંહ સ્કૂલ વાન ચલાવે છે. તે ઘરેથી નીકળી બાળકોને લેવા જતો હતો ત્યારે જ અકસ્માત થયો હતો.


