વડોદરાના વેપારી પાસેથી અમદાવાદની ફાર્મા કંપનીએ 2.48 કરોડનો માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવતા ફરિયાદ

હોટેલોમાં ભાગીદારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરાતાં માંજલપુર પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - Complaint-filed-after-an-Ahmedabad-based-pharma-company-purchased-goods-worth-2-48-crore-from-a-Vadodara-trader-but-failed-to-make-the-payment

- નક્કી કરેલી 90 દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ પેમેન્ટ ન ચૂકવાતાં ફરિયાદીએ પૈસાની ઉઘરાણી કરતા ખોટા વાયદા આપ્યા, પૈસા ન આપતા અંતે ત્રણેય સામે ફરિયાદ નોંધાવી

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ રો-મટિરિયલનો વેપાર કરતા વેપારી પાસેથી અમદાવાદની `સ્ટાયરન હેલ્થ કેર' નામની ભાગીદારી પેઢીના ત્રણ સંચાલકે મોટા જથ્થામાં માલ મેળવી કુલ 2.48 કરોડની રકમ ન ચૂકવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફરિયાદ અનુસાર, વડોદરા ખાતે `અસ્કયુરા હેલ્થકેર એલ.એલ.પી.' ચલાવતા દેવાંગ ઘનશ્યામભાઈ જોષીએ મિત્ર મારફતે અમદાવાદ સ્થિત 'સ્ટાયરન હેલ્થ કેર' પેઢીના ભાગીદાર આબિદઅલી મોહમ્મદભાઈ ચીડુયા સાથે થયો હતો. આરોપીઓએ પોતાની ફાર્મા કંપની માટે રો-મટિરિયલની જરૂરિયાત દર્શાવી 90 દિવસની પેમેન્ટ ક્રેડિટ શરતે નિયમિત માલ સપ્લાય કરવા સમજૂતી કરી હતી.

આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી વિવિધ તારીખોએ પેરાસિટામોલ, સાયપ્રોહેપ્ટાડીન, ઓમિપ્રાઝોલ, આર્ટિમેથર સહિતના વિવિધ ફાર્મા રો-મટિરિયલના પરચેઝ ઓર્ડર મોકલ્યા હતા. જે મુજબ ફરિયાદીએ માન્ય ઇનવોઇસ, ઈ-વે બિલ અને ડિલિવરી નોટ્સ સાથે કરોડો રૂપિયાનો માલ અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો અને તેની રિસિવિંગ પહોંચ પણ મેળવી હતી.

નક્કી કરેલી 90 દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ પેમેન્ટ ન ચૂકવાતાં ફરિયાદીએ ઉઘરાણી શરૂ કરી હતી. આ દરમિયાન પેઢીના અન્ય ભાગીદાર મંજુરઅલી ચીડુયાએ પોતે 40 જેટલી જાણીતી હોટેલોમાં ભાગીદારી ધરાવતા હોવાનું કહી નાણાં ચૂકવી આપવાના ખોટા આશ્વાસનો આપ્યા હતાં. તેમજ અધૂરી એમ.ઓ.યુ. (MOU) કરી ચેક આપવાના માત્ર વાયદાઓ જ કર્યા હતા.

વારંવારની ઉઘરાણી છતાં નાણાં પરત ન મળતાં અંતે ભોગ બનનાર વેપારીએ અમદાવાદના જુહાપુરા અને પીરાણા રોડ વિસ્તારમાં રહેતા ત્રણેય ભાગીદારો આબિદઅલી મોહમ્મદભાઈ ચીડુયા, મંજુરઅલી મોહમ્મદભાઈ ચીડુયા અને અકબરઅલી મોહમ્મદભાઈ ચીડુયા વિરુદ્ધ પૂર્વયોજિત કાવતરું રચી 2.48 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Share :

Leave a Comments