પાદરા નજીક એક્સપ્રેસ-વે પર LPG ટેન્કર, ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત, ટેન્કર પલટી જતાં ટ્રાફિકજામ સર્જાયો

સરસવણી પાસે LPG ટેન્કર પલટી જતા એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ

MailVadodara.com - Accident-involving-an-LPG-tanker-a-trailer-and-a-car-on-the-expressway-near-Padra-traffic-jam-caused-after-the-tanker-overturned

- ટક્કર બાદ LPG ભરેલું ગેસ ટેન્કર સંતુલન ગુમાવીને હાઈવે પર પલટી મારી ગયું હતું, અકસ્માતને કારણે વાહનચાલકો અંદાજે ત્રણ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા


વડોદરા જિલ્લાના પાદરા નજીક સરસવણી ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મોડી રાત્રે ગેસ ટેન્કર, ટ્રેલર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ LPG ભરેલું ગેસ ટેન્કર સંતુલન ગુમાવીને હાઈવે પર પલટી મારી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.


અકસ્મતના પગલે સમગ્ર એક્સપ્રેસ વે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. સુરતથી વડોદરા તરફ આવતા ટ્રેક પર સર્જાયેલા અકસ્માતને કારણે વાહનચાલકો અંદાજે ત્રણ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. અકસ્માત બાદ રાતથી જ એક્સપ્રેસ વે પર વાહનવ્યવહારને અસર થઈ હતી અને માર્ગને વન-વે કરવામાં આવ્યો હતો.


ગેસ ટેન્કરમાં LPG ભરેલું હોવાથી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ગેસ ગળતર કે આગ જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કરજણ અને પાદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સને ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા, જ્યારે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી.


અકસ્મત અંગે ગેસ કંપનીને જાણ કરવામાં આવતા કંપની દ્વારા પલટી ગયેલા ટેન્કરમાંથી LPG ગેસને અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરવાની ટેકનિકલ કામગીરી હાથ ધરવાની જાણ કરવામાં આવી હતી. કંપનીએ અંદાજે બે કલાકમાં ગેસ ટ્રાન્સફરની કામગીરી શરૂ કરવાની વાત કરી હતી. જોકે અકસ્માતના 12 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં LPG ભરેલું ટેન્કર ઘટનાસ્થળેથી હટાવવામાં આવ્યું ન હતું.


ટેન્કરને હટાવવાની કામગીરી અત્યંત સાવચેતીપૂર્વક કરવામાં આવી રહી હતી. અકસ્માત બાદ માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો. એક તરફનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું.


Share :

Leave a Comments