રાત્રિબજારમાં મારક હથિયારો સાથે દુકાનમાં તોડફોડ કરનાર સગીર સહિત 4ની ધરપકડ

4 શખ્સોએ પાણીપુરી ખાઇ પૈસા ન આપી ગલ્લામાંથી 700 રૂપિયા લૂંટી લીધા હતા

MailVadodara.com - 4-arrested-including-minor-for-vandalizing-shop-with-firearms-in-night-market

- અન્ય યુવકે ચારેય શખ્સોને પાણીપુરીના પૈસા આપવા ટોકતાં ત્યાંથી નીકળી ગયા હતા

- મોડીરાત્રે યુવકને મારવા મારક હથિયારો લઇને પાછા આવેલા ચારેય શખ્સોથી બચવા યુવક આઇસ્ક્રીમ પાર્લરમાં ઘૂસી ગયો હતો, જ્યાં શખ્સોએ પાર્લરમાં તોડફોડ કરી હતી

વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આવેલા રાત્રિ બજારમાં ગત રાત્રે 4 શખ્સોએ પાણીપુરી ખાવા આવ્યા હતા જે બાદ તેના પૈસા આપ્યા ન હતા અને પાણીપુરીના ગલ્લામાંથી જ 700 રૂપિયા લૂંટી લીધા હતા. જે બાબતે એક યુવક વચ્ચે પડતા યુવકને મારવાના ઇરાદે ચારેય હુમલાખોરોએ ધારિયાં, પાઇપ સહિતના મારક હથિયારો વડે આઇસ્ક્રીમની દુકાનમાં તોડફોડ કરી હતી. જે મામલે હરણી પોલીસે ચારેય યુવકો સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

વડોદરાના વુડા સર્કલ પાસે આવેલા રાત્રિ બજારમાં ગત રાત્રે એક સગીર સહિત 4 શખ્સો પહોંચ્યા હતા. આ શખ્સો પાણીપુરીની લારી પર પહોંચી ગયા હતા અને પાણીપુરી ખાધી હતી. ત્યારબાદ પાણીપુરીની લારીના માલિક અને 4 શખ્સો વચ્ચે પાણીપુરીના પૈસા બાબતે માથાકૂટ થઈ હતી. દરમિયાન એક યુવક વચ્ચે પડયો હતો અને આ શખ્સોને પાણીપુરી ના પૈસા આપવા માટે ટોક્યા હતા. આ સમયે ચારેય શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા.

મોડી રાતે 11 વાગ્યાની આસપાસ ધારિયાં સહિતના મારક હથિયારો લઈને રાત્રિ બજારમાં ફરી ચારેય પહોંચી ગયા હતા. આ સમયે યુવક આ શખ્સોથી બચવા માટે આઈસ્ક્રીમ પાર્લરમાં ઘૂસી ગયો હતો. જેથી આ શખ્સો યુવકને શોધવા માટે આઈસ્ક્રીમ પાર્લરમાં પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ આઇસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ મચાવી હતી. ત્યારબાદ ત્યાંથી ભાગી છુટ્યા હતા. ઘટના બાદ ડીસીપી અભિષેક ગુપ્તા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિવિધ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ચારેય આરોપીઓની પોલીસ ધરપકડ કરી હતી.

ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે બનાવવાની જાણ થતા અમારી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ વિવિધ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન સોર્સના આધારે તમામ 4 ઓરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ચાર આરોપી પૈકી મોઈન અને રેહન ભાંડવાડાના કુંભારવાડા વિસ્તારમાં રહે છે. જ્યારે બે આરોપી ડભોઇ રોડ પર રહે છે. જે પૈકી એકનું નામ ઉવેશ શેખ છે અને બીજો આરોપી સગીર છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ચારેય આરોપીઓ રાત્રિ બજારમાં પાણીપુરી ખાવા માટે ગયા હતા અને પાણીપુરી ખાધા બાદ પૈસા આપવા બાબતે માથાકૂટ થઈ હતી. જેની સાથે માથાકૂટ હતી તે યુવક ભાગતો ભાગતો હેવમોરના સ્ટોરમાં ઘૂસી ગયો હતો. તેને મારવા જતા આરોપીઓએ દુકાનમાં નુકસાન પહોંચાડયું હતું. આ મામલે આરોપીઓ સામે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રેહાન સામે અગાઉ કારેલીબાગ અને ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.

Share :

Leave a Comments