વડોદરા-સાવલી રોડ ઉપરથી 38.98 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, ચાલક-ક્લિનરની ધરપકડ

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર દિવસમાં એક કરોડથી વધુનો દારૂ ઝડપી પાડ્યો!

MailVadodara.com - 38-98-lakh-liquor-container-seized-from-Vadodara-Savli-road-driver-cleaner-arrested

- પોલીસે દારૂ, કન્ટેનર અને મોબાઇલ ફોન મળી 49.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

- દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા વ્યક્તિ સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ


વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા-સાવલી રોડ ઉપરથી કન્ટેનરમાં લઇ જવાતો રૂપિયા 38.98 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે દારૂની 597 પેટી સાથે ટેન્કર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ચાર દિવસમાં રૂપિયા એક કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ દ્વારા જિલ્લામાં ઘનિષ્ઠ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રે ટીમ મંજુસર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલુ એક કન્ટેનર વડોદરા-સાવલી રોડ ઉપરથી પસાર થવાનું છે.


એલસીબી ટીમે બાતમી મળતાં જ વડોદરા-સાવલી રોડ ઉપર વોચમાં ગોઠવાઇ ગઇ હતી. કન્ટેનર આવતા જ તેણે રોકી હતી. અને કન્ટેનર ચાલક મોહમ્મદ શાદાબ અમજદઅલી ખાન (રહે. ભીવંડી, મહારાષ્ટ્ર) અને ક્લિનર અરબાઝ શકીલ અન્સારી (રહે. ભીવંડી, મહારાષ્ટ્ર)ને સાથે રાખી કન્ટેનરમાં તપાસ કરતાં 597 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 38,98,800ની કિંમતનો દારૂ, કન્ટેનર અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 49,08,800નો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી મંજુસર પોલીસના હવાલે કર્યા હતા. ધરપકડ કરવામાં આવેલા કન્ટેનર ચાલક, ક્લીનર અને આ દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા વ્યક્તિ સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મંજુસર પોલીસે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ચાર દિવસમાં મંજુસર, વરણામા અને કરજણ પોલીસ મથકની હદમાંથી રૂપિયા 1 કરોડ ઉપરાંતનો દારૂનો ઝડપી પાડવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share :

Leave a Comments