વાઘોડિયામાં પત્ની પિયરથી પરત ન આવતાં 32 વર્ષીય યુવકે અડધી રાત્રે ઘરમાં જ આપઘાત કર્યો

વારંવાર ફોન કરવા છતાં પત્ની ઘેર પાછી ન ફરતાં યુવકને મનમાં લાગી આવ્યું હતું

MailVadodara.com - 32-year-old-man-committed-suicide-at-home-in-the-middle-of-the-night-after-his-wife-failed-to-return-from-her-parents-home

- દોઢ વર્ષથી પત્ની રિસાઈને પિયર જતી રહી હતી, જેને પગલે યુવક માનસિક તણાવમાં હતો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાલુકાના માધવનગરમાં રહેતા એક 32 વર્ષીય યુવકે પત્ની સાથેના ઘરકંકાસ અને તે પિયરથી પરત ન આવતી હોવાના ટેન્શનમાં આવીને આપઘાત કરી લીધો છે. વારંવાર ફોન કરવા છતાં પત્ની ઘેર પાછી ન ફરતાં યુવકને મનમાં લાગી આવ્યું હતું, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, વાઘોડિયાના માધવનગરમાં રહેતા 32 વર્ષના ડેનિશ રમેશભાઈ પોદારના લગ્ન સુધાબેન સાથે થયા હતા. લગ્નજીવનના થોડા સમય બાદ જ બંને વચ્ચે કોઈક બાબતે ઝઘડો શરૂ થયો હતો. આ અણબનાવ એટલો વધી ગયો કે પત્ની સુધાબેન છેલ્લા દોઢ વર્ષથી રિસાઈને પોતાના પિયર જતી રહી હતી. ડેનિશભાઈ પોતાની પત્ની સુધાબેન પરત ઘરે આવી જાય તે માટે સતત પ્રયાસો કરી રહ્યા હતા. તેમણે પત્નીને મનાવવા માટે અનેક વખત ફોન કર્યા હતા અને માધવનગર સાસરે પાછા આવી જવા વિનંતી કરી હતી. જો કે, સુધાબેન માનવા તૈયાર ન હતા અને તેમણે સાસરે પરત આવવાની સાફ ના પાડી દીધી હતી. પત્નીના આ નકારાત્મક વલણથી ડેનિશભાઈ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. આ ઘટનાની રાત્રે ડેનિશભાઈ પરિવાર સાથે જમીને સૂઈ ગયા હતા. પરંતુ, પત્નીના વિરહ અને માનસિક આઘાતના કારણે મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેઓ જાગી ગયા હતા. મનમાં સતત ચાલતી મૂંઝવણને કારણે તેમણે ઘરના ઉપરના માળના રૂમમાં જઈ, ત્યાં રહેલી લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

યુવકના આ અચાનક આપઘાતના પગલે પરિવાર સહિત સમગ્ર માધવનગર ગામમાં ગમગીની અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાત પાછળના અન્ય પાસાઓની વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments