ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક તૂટતા પાલિકાની કામગીરી ફરી ચર્ચામાં, ગુણવત્તાની તપાસ કરવાની માંગણી

ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ટ્રેક ધસી ગયો, ગોત્રી ગાર્ડનમાં નબળી કામગીરીનો આક્ષેપ

MailVadodara.com - Municipal-Corporations-work-back-in-the-spotlight-after-walking-track-at-Gotri-Garden-collapses-demand-raised-for-quality-inspection

- પેવર બ્લોક બેસી જતા સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી

- ટ્રેક ઉપર કામ ચલાઉ બેરીકેટ મૂકી દેવાયા, સ્થાનિકોએ જવાબદાર સામે કાર્યવાહી માગી

વડોદરા મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી હવે માત્ર જાહેર માર્ગો પૂરતી સીમિત નથી રહી, પરંતુ શહેરીજનોના આરામ અને સ્વાસ્થ્ય માટે બનાવાયેલા બગીચાઓ સુધી પહોંચી ગઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગાર્ડનમાં ભ્રષ્ટાચાર અને નબળા ક્વોલિટીના કામનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. અહીં મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે બનાવવામાં આવેલા સ્પેશિયલ વોકિંગ ટ્રેક ઉપર મોટા ભૂવા પડી ગયા છે.


વોકિંગ ટ્રેક પર લગાવવામાં આવેલા પેવર બ્લોક એકાએક જમીનમાં બેસી જતાં આખો રસ્તો બિસ્માર બન્યો છે, જેના કારણે બગીચાની મુલાકાતે આવતા સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગાર્ડનમાં રોજ સવાર-સાંજ સેંકડો લોકો વોકિંગ અને કસરત કરવા માટે આવતા હોય છે. નાગરિકોની સુવિધા માટે બનાવાયેલ ટ્રેક ઉપરના પેવર બ્લોક અચાનક જ બેસી પડતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વહેલી સવારે અથવા રાત્રિના અંધારામાં કોઈ જાગૃત નાગરિક આ ખાડાઓમાં ખાબકે નહીં અને કોઈ મોટી જાનહાની કે ઇજા ન થાય તે માટે તંત્ર દ્વારા હાલ પૂરતા કામચલાઉ બેરીકેટ્સ મૂકી દેવામાં આવ્યા છે. જોકે, આ પ્રકારની કામચલાઉ વ્યવસ્થાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગાર્ડનમાં સવારે અને સાંજે હજારો લોકો વોક કરવા આવે છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે લોકો અહીં કસરત કરવા માટે આવે છે. ત્યારે તેમાં કોઈને ઇજા કે નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ઠેર ઠેર ભૂવા પાડવાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી નબળી કામગીરી અહીં ઉડીને આંખે વળગી રહી છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ગાર્ડન ટૂંકા ગાળામાં જ બિસ્માર થઈ ગયા છે. સ્થાનિકોએ વહેલી તકે આ ટ્રેકનું યોગ્ય રિપેરિંગ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

Share :

Leave a Comments