પૈસાની લેતી-દેતીમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર 5 પૈકી પકડાયેલા 3 આરોપીઓ જેલમાં ધકેલાયા

વેચી દીધેલી કારના પૈસાની લેતી-દેતીમાં 5 લોકોએ મળીને યુવકને મોતને ઘાટ ઉતાર્યા હતો

MailVadodara.com - 3-of-the-5-accused-who-killed-a-young-man-over-money-were-arrested-and-sent-to-jail

- રિમાન્ડ પૂર્ણ થતા 3 આરોપીને જેલમાં ધકેલાયા, બે આરોપીની શોધખોળ યથાવત્

વડોદરાના ફતેગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં મિત્ર પાસેથી ભાડે લીધેલી કાર બારોબાર વેંચી કાઢી રૂપિયા લઇ લેનાર યુવક પાસેથી પઠાણી ઉઘરણી કરી 5 લોકોએ ભેગા મળી ઢોર માર મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે આ બનાવને પગલે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં 3 આરોપીને દબોચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત 3 આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં, જે આજે પૂર્ણ થતા આ ત્રણેય આરોપીને જેલ ભેગા કર્યા છે. જ્યારે ફરાર થઈ ગયેલા બંને આરોપીની બે ટીમ બનાવી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ મામલે ફતેગંજ પોલીસ મથકના પી. આઈ. અજયદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ત્રણ આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓના રિમાન્ડ દરમિયાન જરૂરી કોલ ડીટેલ અને અન્ય પાસાની તપાસ માટે જરૂરી પુરાવા એકત્રીત કરવામાં આવ્યા છે. જેના આધારે અન્ય બે આરોપી ફરાર છે તેઓની પણ શોધખોળ બે ટીમ બનાવી ચાલીરહી છે. આજે રિમાન્ડ પૂર્ણ થતા આ ત્રણેય આરોપીને જેલમાં મોકલવામાં આવ્યા છે.

આણંદ જિલ્લાના સારસા ખાતે રહેતા પાર્થ ઉર્ફે રવિ દિપકભાઇ સુથાર વડોદરામાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. થોડા સમય પહેલા તેને વિશ્વજીત વાઘેલા પાસેથી સ્વીફ્ટ કાર રૂ. 3000 પ્રતિ દિવસ ભાડે લીધી હતી. થોડા સમય બાદ આ કાર તેણે બારોબાર અરવલ્લીના સાઠંબા ખાતે વેંચી દીધી અને રૂપિયા પોતે લઇ લીધા હતા. જોકે આ વાતથી વિશ્વજીત અજાણ હતો, પરંતુ થોડા સમય સુધી પોતાની કાર પરત ન મળતા તેને પાર્થ પાસે કાર અંગે પૂછપરછ કરતા તેને કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

કારનું ભાડું 50 હજાર કરતા વધુ થઇ જતા વિશ્વજીતે પાર્થ સુથાર પાસે રૂપિયા અને કારની ઉઘરાણી કરી હતી. જે બાદ તે જુદા જુદા બહાને સમય પસાર કરતો હોવાથી આખરે વિશ્વજીત અને તેનો મિત્ર જયદિપ સોલંકીએ પાર્થના ભાઇ આકાશનો સંપર્ક કરી તેને મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં આ બન્નેએ આકાશને જણાવ્યું હતુ કે, તારો ભાઇ મારી ગાડી લઇ ગયો છે જે પાછી અપાવી દો નહીં તો જોવા જેવી થશે, તેવી ધમકી આપી બન્ને ત્યાંથી નિકળી ગયા હતા.

જોકે, ત્યારબાદ મોડી રાત્રે આકાશને પાર્થને ફોન આવ્યો પણ વાત થઇ ન હતી. જે બાદ સવારે પાર્થ સાથે ફોન પર વાત થતા તેને જણાવ્યું હતુ કે, વિશ્વજીત વાઘેલાની સ્વીફ્ટ કાર તેને વેચી નાખી પૈસા લઇ લીધા છે, તે પૈસા માંગવા માટે વિશ્વજીત વાઘેલા સાથે મારે તકરાર ચાલું છે અને હાલ હું છાણી જકાતનાકા સ્થિત તેની ઓફિસે આવ્યો છે, જે બાદ તેને ફોન કાપી નાખ્યો હતો. આ પછી પાર્થનો સંપર્ક કરતા કોઇ અન્ય વ્યક્તિએ ફોન ઉપાડી જયદિપ બોલું છું તેમ જણાવ્યું હતુ. પાર્થ સાથે વાત કરવાનું કહેતા તેણે કહ્યું હતુ કે, હમણા વાત થઇ શકે તેમ નથી. હાલ અમે દાહોદ છે, કહીં ફોન કાપી નાખ્યો હતો.

ત્યાર પછી 4 માર્ચના રોજ સાંજે આશરે સાડા સાંત વાગ્યાની આસપાસ વિશ્વજીત વાઘેલાએ પાર્થના ભાઇ આકાશને ફોન કરી કહ્યું તાત્કાલીક સયાજી હોસ્પિટલ આવી જાઓ પાર્થને એડમિટ કર્યો છે. આ સાંભળી આકાશ અને તેના પરિજનો તાત્કાલીક વિભાગ પર પહોંચતા પાર્થને હોસ્પિટલના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પાર્થને હોસ્પિટલ પણ વિશ્વજીત વાઘેલા લઇ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.

આ ઉપરાંત વિશ્વજીતે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહ્યું હતું કે, મારા મિત્ર પાર્થ ઉર્ફે રવિ ઓફિસમાં ખુરશીમાં બેઠો બેઠો ઢળી પડ્યો છે અને તેમને હું 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવ્યો છું, જેમને તબીબોએ મૃત જાહેર કર્યા છે. જેને પગલે ફતેગંજ પોલીસ પણ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો કે, પોલીસને માહિતી આપનાર જ ખુદ આરોપી નિકળ્યો હતો.

જેથી આ સમગ્ર મામલો ફતેગંજ પોલીસ સ્ટેશને પહોંચતા આ મામલે તપાસનો દોર શરૂ થયો હતો. પાર્થ સુથારને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારનાર વિશ્વજીત વાઘેલા (રહે. મોક્સી ગામ તા. સાવલી વડોદરા), પ્રગ્નેશ ઉર્ફે ભયલુ બકુલભાઇ રાણા (રહે. છાણી ગામ દુમાડ રોડ, વડોદરા) અને રોનકકુમાર મહેન્દ્રભાઇ ચૌહાણ (રહે. છાણી ગામ, વડોદરા)નાઓની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં સામેલ જયદિપ કનુભાઇ સોલંકી અને જયદિપના મિત્ર હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે.

Share :

Leave a Comments