- વિદ્યાર્થિનીને ફ્રેન્ડના ઘરે લઇ વિધર્મીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી ફોટા પાડી લીધા હતા, ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો
- ભોગ બનનાર વિદ્યાર્થિનીને રૂપિયા 4 લાખનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો
- સાવલીના પોકસો જજે આરોપી ફેજલ ઉર્ફે ફેન્ટોને પોક્સો અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો
વડોદરા જિલ્લાના સાવલીની ખાનગી કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનીયરનો અભ્યાસ કરતી સાડા સત્તર વર્ષની વિદ્યાર્થિનીને વિધર્મીએ ઇન્સ્ટાગ્રામ થકી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી સતત એક વર્ષ સુધી અલગ અલગ સ્થળે લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરવા સહિત તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. આ વિધર્મી યુવાનને સાવલીના પોકસો જજે 20 વર્ષની સખત કેદની સજા ફટકારતા સાવલી તાલુકામાં ચકચાર મચી ગઇ હતી.
મળેલી માહિતી અનુસાર સાવલી તાલુકાના એક ગામમાં રહેતી સાડા સત્તર વર્ષની અનુસૂચિત જાતિની વિદ્યાર્થિની સાવલીની ખાનગી કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનીયરના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે રોજ ખાનગી વાહનમાં અને એસ.ટી. બસમાં સાવલી અપડાઉન કરતી હતી. તે ઇન્સ્ટાગ્રામ વાપરતી હોવાથી સાવલી નગરમાં રહેતા ફેજલ ઉર્ફે ફેન્ટો જાકીર દિવાને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જેથી વિદ્યાર્થિનીએ તે સ્વીકારતા બન્ને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો. આ દરમિયાન ફેજલ તેને મળવા માટે કોલેજ આવતો હતો અને 2022ની સાલમાં તેને મળવા બોલાવી હતી અને પોતાની મોટર સાયકલ ઉપર બેસાડી કારેલીબાગ અમિતનગર તેની ફ્રેન્ડ સોનુના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચરી તેના ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર તેને મળવા બોલાવી અલગ-અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હતો.
આ ઉપરાંત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી તેને જાતિ વિષયક અપશબ્દો બોલી રખેલ તરીકે રાખવાની ધમકી આપતો હોવાથી ફેજલથી ત્રાસી ગયેલી વિદ્યાર્થિનીએ સાવલી પોલીસ મથકે 2023ના માર્ચ માસમાં ફરિયાદ નોંધાવી હતી. સાવલી પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ફેજલ ઉર્ફે ફેન્ટો દિવાનની ધરપકડ કરી તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
સાવલીના પોક્સો જજ જે.એ. ઠક્કરની અદાલતમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ સી.જે. પટેલની ધારદાર દલીલો અને પુરાવાના આધારે અદાલતે ફેજલ ઉર્ફે ફેન્ટોને પોક્સો અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો તેમજ સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય સહિતની અલગ અલગ કલમો હેઠળ પણ કસૂરવાર ઠેરવી સજા ફટકારી હતી. તેમજ ભોગ બનનાર વિદ્યાર્થિનીને રૂપિયા 4 લાખનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો હતો. આરોપી 1 લાખ દંડ ભરે તે રકમ પણ ભોગ બનનારને ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.