- બેઠકમાં શહેર તથા જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલી કામગીરી તકેદારીપૂર્વક કરવા માટે સૂચના આપવામાં આવી
આગામી તા.26ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા શહેરની મુલાકાતના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા આ કાર્યક્રમ સંદર્ભે 150થી વધુ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે.
પહલગામની ઘટના બાદ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદુર માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરામાં વિશાળ નારી શક્તિ દ્વારા અભિવાદન સન્માન થવાનું છે.
આ સંદર્ભમાં જિલ્લા પ્રશાસન દ્વારા સંકલન સમિતિ, સ્ટેજ વ્યવસ્થાપન સમિતિ, પદાધિકારીઓ સાથે સંકલન સમિતિ, એરપોર્ટ સમિતિ, એરફોર્સ ગ્રાઉન્ડ સમિતિ, રૂટ પરના સ્ટેજની વ્યવસ્થાપન સમિતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિ, ટ્રાન્સપોર્ટ સમિતિ, પાર્કિંગ સમિતિ, વીજ પુરવઠા સમિતિ, આરોગ્ય સમિતિ, આઇટી સમિતિ, પાણી સમિતિ, ફાયર સેફ્ટી સમિતિ, કન્ટ્રોલ રૂમ સહિતની સમિતિઓની રચના કરવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આ કાર્યક્રમ સુચારુ રીતે યોજાઈ તે માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. આ સમિતિ દ્વારા કરવાના થતાં વિવિધ કામો અંગે યોજાયેલી બેઠકમાં તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલી કામગીરી તકેદારીપૂર્વક કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં શહેર તથા જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.