- વાઘોડિયા ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા
- અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરા પાસે આજે અજાણ્યા વાહનની ટક્કરે 2 યુવાનના કમકમાટીભર્યા મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
વડોદરામાં દિવસે દિવસે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, ત્યારે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરા નજીક વાઘોડિયા ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇક (જીજે 06-એસડી- 7601)ને અડફેટે લેતા બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. વાઘોડિયા ચોકડી પાસે આવેલા તક્ષ ગેલેક્ષી મોલની સામે આ ઘટના બની હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા અને લોકોએ તુરંત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ઘટનાને પગલે અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા. જો કે, પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો.
કપુરાઇ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. સી.રાઓલે જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટનાની જાણ થતાં અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બંને મૃતક યુવકોની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી અકસ્માત કરનાર અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનિય છે કે, વડોદરામાં છેલ્લા 3 મહિનાથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વાહનચાલકો બેફામ રીતે વાહન ચલાવીને અકસ્માત કરે છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે.