- કપૂરાઈ પોલીસે બંને આરોપીઓ પાસેથી 25 હજાર રોકડા અને 20,000ની મોપેડ મળીને 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો,
- એક આરોપી સામે અગાઉ 11 અને બીજા સામે 3 ગુના નોંધાયેલા છે
વડોદરા શહેરની આજવા ચોકડી પાસે આવેલા કોમ્પ્લેક્સમાં ટ્રેડર્સની દુકાન ધરાવતા વેપારી પાણી લેવા માટે પાનના ગલ્લા પર ગયા હતા. તે દરમિયાન ધોળા દિવસે બે તસ્કરો તેમની દુકાનમાંથી રોકડા 60 હજાર રૂપિયા અને CCTV કેમેરાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. કપૂરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને બે આરોપીની ધરપકડ કરી છે અને 45 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શહેરના આજવા રોડ પર સયાજીપુરા ગામમાં સમીર હનીફભાઈ મલેકે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષથી આજવા ચોકડી પાસે આવેલા અનંતા લાઈફ સ્ટાઇલ કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નં-20માં મીલન ટ્રેડર્સ નામે રેતી-કપચીની દુકાન ચલાવુ છું. 26 મેના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ હું મારી દુકાને હાજર હતો. ત્યારે મને તરસ લાગતાં મારી દુકાનને લોક મારીને મારી દુકાનની નજીકમાં આવેલ પટેલ પાન પાર્લર ખાતે પાણીની બોટલ લેવા માટે ગયો હતો.
ત્યારબાદ પાણીની બોટલ લઈને આશરે 5 જ મિનિટમાં મારી દુકાને પરત આવ્યો હતો ત્યારે મારી દુકાનમાંથી બે અજાણ્યા શખસો બહાર નીકળતાં હતા, જેથી મે તેઓને પૂછ્યું હતું કે, તમે દુકાનમાં કેમ ગયા હતા, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અમે સીમેન્ટનો ભાવ પુછવા માટે ગયા હતા. ત્યારબાદ તે બંને શખસો તેઓની સફેદ કલરની એક્ટિવા લઈને ભાગી ગયા હતા. જે એક્ટિવામાં આગળના ભાગે નંબર પ્લેટ ન હોવાથી અમે એક્ટિવાની નંબર જોઈ શક્યા નથી.
ત્યારબાદ મેં મારી દુકાને આવી જોતા દુકાનની બહારનું લોક તુટેલું હતું. જેથી દુકાનની અંદર જઈને જોતાં દુકાનના ડ્રોવરનું લોક તુટેલું હતું અને ડ્રોવરની અંદર પડેલ કાળા કલરનું પર્સ ગાયબ હતું. જેમાં મેં આશરે 50થી 60 હજાર રૂપિયા રાખેલા હતા તેમજ દુકાનની અંદર લાગેલો CCTV કેમેરો પણ ત્યાં ન હતો. આમ ધોળા દિવસે તસ્કરોએ દુકાનને નિશાન બનાવી રૂપિયા 60 હજાર અને સીસીટીવી કેમેરાની ચોરી કરીને બે શખસ ફરાર થઈ ગયા હતા. પોલીસે વેપારીની ફરિયાદના આધારે બંને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
કપૂરાઇ પોલીસે તપાસ દરમિયાન આરોપી જાફર આરીફભાઈ ઘાંચી (રહે. એ-4, શના કોમ્પલેક્ષ, ગુલીસ્તાન ફ્લેટની બાજુમાં, બહાર કોલોની આજવા રોડ, વડોદરા) અને હારૂન રશીદ હુસેનભાઈ ઘાંચી (રહે. ગ્રાઉન્ડ ફ્લોર, શના કોમ્પલેક્ષ, ગુલીસ્તાન ફ્લેટની બાજુમાં, બહાર કોલોની આજવા રોડ, વડોદરા) ની ધરપકડ કરી છે અને 25 હજાર રૂપિયા રોકડા અને 20,000ની મોપેડ મળીને 45 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસની તપાસ કપૂરાઇ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.સી. રાઓલ કરી રહ્યા છે.
આરોપી જાફર સામે અગાઉ 11 ગુના નોંધાયેલા છે અને પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આરોપી હારુન સામે અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે અને તેની સામે પણ પાસાની કાર્યવાહી થઈ ચૂકી છે.